Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આસો મહિનામાં વદ પક્ષની ચોથને કરવા ચોથનું વ્રત કરવામાં આવે છે. આ પર્વ પરણિત મહિલાઓ માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ તહેવારમાં માટીના વાસણ એટલે કરવાનું વિશેષ મહત્ત્વ છે. વામન પુરાણ અને અન્ય ગ્રંથોમાં ચંદ્રની પૂજાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સિવાય છાંદોગ્ય ઉપનિષદમાં પણ ચંદ્રમાં પુરૂષ રૂપી બ્રહ્માની ઉપાસનાનું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. ચોથ તિથિના દેવતા ભગવાન ગણેશ છે. એટલે આ દિવસે ચોથ દેવી સાથે ગણેશજીની પૂજા પણ કરવામાં આવે છે.


ગણેશજી તથા ચંદ્ર દેવનું પૂજન થાય છે
કરવા ચોથ એટલે પતિની લાંબી ઉંમર માટે રાખવામાં આવતું વ્રત. છાંદોગ્ય ઉપનિષદ પ્રમાણે ચંદ્રમાં પુરૂષ સ્વરૂપી બ્રહ્માની ઉપાસના કરવાથી બધા પાપ નષ્ટ થઇ જાય છે. આ વ્રતમાં ભગવાન શિવ અને દેવી પાર્વતી, કાર્તિકેટ, ગણેશ તથા ચંદ્રનું પૂજન કરવું જોઇએ. પૂજા પછી માટીના કરવામાં ચોખા, અડદની દાળ, સુહાગની સામગ્રી સાસુ કે ઘરની કોઇ વડીલને ભેટ કરીને પગે લાગવું જોઇએ.

પત્નીઓનું વ્રત અને દેવતાઓનો વિજય
પૌરાણિક કથા પ્રમાણે એેકવાર દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધમાં દેવતાઓની પરાજય થઇ રહી હતી. બ્રહ્મદેવે આ સંકટથી બચવા માટે બધા જ દેવતાઓની પત્નીઓ એટલે શક્તિઓને વ્રત રાખવાની સલાહ આપી. આસો મહિનાના વદ પક્ષની ચોથના દિવસે બધા દેવતાઓની પત્નીઓએ વ્રત રાખ્યું. વ્રત કરવાથી બધી શક્તિઓ એકઠી થઇ. જેનાથી યુદ્ધમાં દેવતાઓને વિજય પ્રાપ્ત થયો. આ સાંભળીને બધી દેવ પત્નીઓએ પોતાનું વ્રત ખોલ્યું. માન્યતા પ્રમાણે આ દિવસથી કરવા ચોથના વ્રતની પરંપરા શરૂ થઇ.

સરગીથી જ કરવા ચોથના વ્રતની શરૂઆત થાય છે. સાસુ તેની પુત્રવધૂને સરગી આપે છે અને વ્રત પૂર્ણ થાય તેવા આશીર્વાદ આપે છે. સરગીમાં મીઠાઈ, ફળ વગેરે હોય છે, જે સૂર્યોદય વખતે વ્રત શરૂ કરતાં પહેલાં ખાવામાં આવે છે, જેના દ્વારા વ્રત સરળતાથી પૂર્ણ કરવા માટે આખો દિવસ ઊર્જા મળે છે.

નિર્જળા વ્રતનું વિધાન
કરવા ચોથનું વ્રત નિર્જળા રાખવામાં આવે છે, તેમાં વ્રત રાખનાર વ્યક્તિએ આખો દિવસ કંઇપણ ખાવાનું અને પીવાનું વર્જિત રહે છે. જળનો ત્યાગ કરવાનો હોય છે. વ્રતી તેના કઠોર વ્રતથી માતા ગૌરી અને ભગવાન શિવને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે, જેથી તેમને અખંડ સૌભાગ્ય અને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ મળે.

શિવ અને ગૌરીની પૂજા
કરવા ચોથના વ્રતમાં સવારથી જ શ્રીગણેશ, ભગવાન શિવ અને માતા ગૌરીની પૂજા કરવામાં આવે છે, જેથી તેમને અખંડ સૌભાગ્ય, યશ તથા કીર્તિ પ્રાપ્ત થઇ શકે. પૂજામાં માતા ગૌરી અને ભગવાન શિવના મંત્રોનો જાપ કરવામાં આવે છે.

શિવ- ગૌરીની માટીની મૂર્તિ
કરવા ચોથમાં પૂજા માટે શુદ્ધ પીળી માટીથી શિવ, ગૌરી તથા ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવે છે. પછી તેને ચોકી(બાજોટ) પર લાલ વસ્ત્ર પાથરીને સ્થાપિત કરવામાં આવે છે. માતા ગૌરીને સિંદૂર, ચાંદલો, ચુન્ની તથા ભગવાન શિવને ચંદન, ફૂલ, કપડાં વગેરે પહેરાવવામાં આવે છે. શ્રીગણેશજી તેમના ખોળામાં બેસે છે.