દેશમાં છૂટક ફુગાવો સતત બે મહિના સુધી 4%થી ઓછો રહ્યો છે. રિઝર્વ બેન્કનું લક્ષ્ય મોંઘવારી દરને આ જ સ્તરે લાવવાનો છે. પરંતુ તેનો અર્થ આરબીઆઇ તાત્કાલિક ધોરણે રેપોરેટ ઘટાડી દેશે, બેન્કો વ્યાજદર ઘટાડશે એટલે લોન વધુ સસ્તી થશે તેવો નથી.
દાસે સિંગાપુરમાં આયોજિત બ્રેટન વુડ્સ કમિટીની ફ્યૂચર ઑફ ફાઇનાન્સ ફોરમમાં કહ્યું કે “એપ્રિલ 202માં મોંઘવારી 7.8%ના ઊંચા સ્તર પર હતી. હવે તે ઘટી છે, પરંતુ આપણે હજુ એક અંતર કાપવાનું છે. અમે બીજી તરફ જોવાનું જોખમ લઇ શકીએ નહીં. તેમનો ઇશારો રેપોરેટ 6%થી નીચે લાવવામાં ઉતાવળ ન કરવા તરફ હતો.
ઓગસ્ટમાં રિટેલ મોંઘવારી દર 3.65% રહ્યો હતો. જે જુલાઇમાં 3.54% હતો. તેના પર દાસે કહ્યું હતું કે મોંઘવારી 2-6%ના લક્ષ્યના દાયરામાં છે. પરંતુ અમારું લક્ષ્ય તેને 4% પર સ્થિર રાખવાનું છે. MPCની બેઠકમાં અમે એ વાત પર ભાર મૂક્યો હતો કે આપણે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખવી જોઇએ. મોંઘવારીમાં અસ્થાયી ઘટાડાથી પ્રભાવિત ન થવું જોઇએ. વર્ષના અંત સુધીમાં 7.2%નો ગ્રોથ નોંધાય તેવી શક્યતા છે.