ટોકિયો ઓલિમ્પિકના સિલ્વર મેડલ વિજેતા રવિ દહિયા અને બ્રોન્ઝ વિજેતા બજરંગ પુનિયા હરિયાણાના સોનીપતમાં ચાલી રહેલા રાષ્ટ્રીય ટ્રાયલમાંથી બહાર થઈ ગયા છે.
રવિવારે 2-દિવસીય ટ્રાયલમાં, ઉદિતે ફ્રી-સ્ટાઈલની 57 KG વજન વર્ગની સેમિફાઈનલમાં રવિ દહિયાને 10-8થી હરાવ્યો હતો. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ સામેના વિરોધને કારણે ચર્ચામાં આવેલા બજરંગ પુનિયાને ફ્રી-સ્ટાઈલ 65 કેજી વજન વર્ગમાં રોહિતે 9-1થી પરાજય આપ્યો હતો.
સેમિફાઇનલમાં હાર્યા બાદ બજરંગ પુનિયા તરત જ ગુસ્સામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) સેન્ટરમાંથી બહાર નીકળી ગયો હતો. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA)ના અધિકારીઓએ પુનિયાના ડોપ સેમ્પલ લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ત્રીજા-ચોથા સ્થાનની સ્પર્ધા માટે પણ રોકાયો નહોતો.
પુનિયાએ ટ્રાયલની તૈયારી માટે રશિયામાં ટ્રેનિંગ લીધી હતી. આ ટ્રાયલ ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ની એડ-હોક પેનલ દ્વારા કરવામાં આવી રહી છે. જોકે, પૂનિયાએ દિલ્હી હાઈકોર્ટમાં કેસ જીત્યો હતો અને કહ્યું હતું કે સસ્પેન્ડેડ WFI પાસે ટ્રાયલ ચલાવવાની કોઈ સત્તા નથી.