વિશ્વભરના દેશોની સેન્ટ્રલ બેંકો તેમની તિજોરીઓમાં સોનાની માત્રામાં વધારો કરી રહી છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ બેંકોએ ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં 483 ટન સોનું ખરીદ્યું છે, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. જે ગતવર્ષ કરતાં 5% વધુ છે. ગતવર્ષે આ બેંકોએ વર્ષના પ્રથમ છ મહિનામાં 460 ટન સોનાની ખરીદી કરી હતી. 2024 ના બીજા ક્વાર્ટરમાં આ બેંકોએ 183 ટન સોનું ખરીદ્યું હતું જે ગતવર્ષ કરતાં છ ટકા વધુ છે. જોકે ચાલુ વર્ષના પ્રથમ ક્વાર્ટરની સરખામણીએ આ 39% ઓછું છે. સેન્ટ્રલ બેંકોએ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં 300 ટન સોનું ખરીદ્યું હતું.
નેશનલ બેન્ક ઓફ પોલેન્ડ અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા વર્ષના બીજા ક્વાર્ટરમાં સૌથી વધુ સોનું ખરીદવાના સંદર્ભમાં સંયુક્ત રીતે પ્રથમ ક્રમે છે. આ બંને બેંકોએ 19-19 ટન સોનું ખરીદ્યું હતું. તુર્કીએ 15 ટન સોનું ખરીદીને ત્રીજા સ્થાને રહી. તુર્કીની સેન્ટ્રલ બેંકે વર્ષના પ્રથમ છ મહિનામાં 45 ટન સોનું ખરીદ્યું છે.
જોર્ડન, કતાર, રશિયા, કિર્ગિસ્તાન, ઇરાકની સેન્ટ્રલ બેંકોએ પણ બીજા ક્વાર્ટરમાં નોંધપાત્ર સોનાની ખરીદી કરી હતી. બીજી તરફ ચીનની સેન્ટ્રલ બેંકે ખરીદીમાં ઘટાડો કર્યો છે. સોનાની કિંમતોને અનેક કારણોસર અસર થઈ રહી છે. તેમાં યુએસ ડૉલરની મૂવમેન્ટ, ફુગાવો, સોનાના દાગીનાની માંગનો સમાવેશ થાય છે.