પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય ચૂંટણીઓ માટે મતદાન સમાપ્ત થયા બાદ મતગણતરી ચાલુ છે. ગુરુવારે સવારે 8:30 વાગ્યે મતદાન શરૂ થયું હતું અને સાંજે 5:30 વાગ્યા સુધી ચાલ્યું હતું. મત ગણતરી વચ્ચે વલણ જોવા મળી રહ્યા છે. જોકે, સત્તાવાર પરિણામો શુક્રવાર એટલે કે 9મી ફેબ્રુઆરી સુધીમાં જ અપેક્ષિત છે.
પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ 336 સીટો છે. જેમાંથી 265 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. બાકીની બેઠકો અનામત છે. પાકિસ્તાનમાં મુખ્યત્વે 3 પક્ષો વચ્ચે સ્પર્ધા છે. જેમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N), પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)નો સમાવેશ થાય છે.
મીડિયા અહેવાલો અનુસાર, અત્યાર સુધીના પ્રારંભિક વલણોમાં, ઈમરાનને સમર્થન આપતા અપક્ષ ઉમેદવારો 120 બેઠકો પર આગળ છે. ચૂંટણી પંચે પરિણામ જાહેર કરવામાં વિલંબ કર્યો. મતદાન દરમિયાન દેશમાં કેટલાક કલાકો સુધી મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ લગભગ બંધ રહી હતી. દરમિયાન, ન્યૂઝ ચેનલોએ તેમની વેબસાઈટ પરથી ચૂંટણી રિઝલ્ટ ટેલી હટાવી દીધી છે. ચૂંટણી પંચે પરિણામ જાહેર કરવાની શરૂઆત કરી છે.