પાકિસ્તાનના બલુચિસ્તાનમાં વધતા બળવા અને તાજી હિંસા પછી પાકિસ્તાની સેના અને શહબાઝ સરકાર હારેલી જણાય છે. ક્વેટા રેલવે સ્ટેશન પર થયેલા ભયાનક આતંકી હુમલામાં સેનાના 14 જવાન સહિત 26નાં મોત થયાં હતાં. આ હુમલા પછી બલુચિસ્તાનમાં સૈન્ય ઉપસ્થિતિ અને વહીવટી અંકુશ પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આ વચ્ચે સૂત્રો અનુસાર પાકિસ્તાન આર્મી બલુચિસ્તાનમાં સૈન્ય કાર્યવાહી પર પ્રતિબંધ મૂકવાની વિચારણા કરી રહી છે. સૈન્ય છાવણીમાં આને લઈને મોટા સ્તરે ચર્ચા થઈ રહી છે. સેનાનું કહેવું છે કે સરકારે સેના સાથે મળી વાતચીતનો માર્ગ શોધવો જોઈએ.
પાકિસ્તાન ગૃહમંત્રાલય સાથે જોડાયેલાં સૂત્રોએ પણ આ બાબતે કહ્યું છે કે વર્ષોથી થતી સૈન્ય કાર્યવાહીએ બલુચિસ્તાનમાં શાંતિને સ્થાને અસ્થિરતા ઊભી કરી છે. ગૃહમંત્રાલયના અધિકારીઓનું માનવું છે કે બલુચિસ્તાનમાં સૈન્યની ઉપસ્થિતિએ માત્ર સ્થાનિક લોકોમાં અસંતોષ વધાર્યો છે, જ્યારે તેનાથી પાકિસ્તાનની આંતરિક બાબતો પર પણ અસર પડી છે. ગૃહમંત્રાલય પણ સૈન્ય કાર્યવાહીને બદલે રાજકીય સંવાદથી જ સમસ્યાનું સ્થાયી સમાધાન ઈચ્છે છે. અધિકારીઓનું કહેવું છે કે બળવાખોરો સામે બળપ્રયોગે સ્થિતિને વધુ જટિલ કરી છે. બલુચ નેતાઓ અને બળવાખોરો સાથે સંવાદથી જ શાંતિ શક્ય છે.