ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગે વર્લ્ડ ક્રિકેટમાં ધૂમ મચાવી હતી. તેમની બેટિંગથી ભલભલા બોલર્સના પરસેવા છૂટી જતા હતા. તેમની વિસ્ફોટક બેટિંગની શૈલીના લોકો ચાહક હતા. પહેલા જ બોલથી શોટ્સ ફટકારવાની શરૂઆત કરી દેતો હતો. આના કારણે તેઓ દરેક ક્રિકેટ ફેનના દિલમાં વસ્યા હતા. તેઓ ટેસ્ટ ક્રિકેટમાં પણ વન-ડે ફોર્મેટની જેમ રમતા હતા. ત્યારે હવે ચાહકો માટે વધુ એક ખુશખબરી આવી છે. તેમનો પુત્ર આર્યવીર હવે પ્રોફેનશનલ ક્રિકેટમાં રમતો દેખાશે.
BCCI U-16 વિજય મર્ચન્ટ ટ્રોફી ટીમમાં સ્થાન
BCCI U-16 વિજય મર્ચન્ટ ટ્રોફીનું આયોજન કરે છે, જેમાં આ વખતે દિલ્હીની ટીમમાં પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સહેવાગને સ્થાન મળ્યું છે. 15 વર્ષના આર્યવીર હવે વર્લ્ડ ક્રિકેટમાં પોતાના પિતાના પગલે ધૂમ મચાવશે.
દિલ્હીની ટીમ અત્યારે તો બિહારની સામે પોતાની મેચ રમી રહી છે. જોકે આર્યવીરને આ મેચની પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવ્યો નથી. જોકે મોટા સ્તરે એન્ટ્રી થઈ ચૂકી કહેવાય. એટલે ચાહકોને આશા છે કે આર્યવીરમાં પણ વિરેન્દ્ર સેહવાગ જેવી કાબેલિયત હશે અને ફરી ચાહકોને વિરેન્દ્ર સેહવાગ જેવી બેટિંગ જોવા મળશે.
બેટિંગ સ્ટાન્સ વિરેન્દ્ર સેહૉવાગ જેવો
આર્યવીર સેહવાગના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને જુઓ તો તેણે પોતાની બેટિંગના ઘણા વીડિયો પોસ્ટ કર્યા છે, જેમાં તે પોતાના પિતા વિરેન્દ્ર સેહવાગની રીતે સ્ટાન્સ લેતો નજરે આવે છે અને નેટ્સમાં પણ બોલર્સની ધોલાઈ કરતો દેખાય છે.