રાજકોટ જિલ્લામાં 18 આયુર્વેદ દવાખાના અને એક સરકારી આયુર્વેદ હોસ્પિટલ આવેલી છે. કોરોનાકાળ બાદ આયુર્વેદ સારવારની માગણી વધતા રાજ્ય સરકારે મોટા ઉપાડે આટકોટમાં આયુર્વેદ હોસ્પિટલ શરૂ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ આ જાહેરાતના ત્રણ વર્ષ બાદ પણ હજુ સુધી રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે આયુર્વેદ હોસ્પિટલ શરૂ ન થતા અનેક સવાલો ઊઠી રહ્યા છે ત્યારે આ આયુર્વેદ હોસ્પિટલ શરૂ કરવા માટે સરકાર બજેટમાં જોગવાઇ કરતા જ ભૂલી જતી હોવાની હકીકત પ્રકાશમાં આવી છે.
રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી સરકારી આયુર્વેદ હોસ્પિટલને મળેલી સફળતાને ધ્યાનમાં લઇ કોરોનાના પ્રથમ રાઉન્ડ બાદ રાજ્ય સરકારે 2021ની સાલમાં આટકોટ ખાતે આયુર્વેદ હોસ્પિટલ શરૂ કરવાની જાહેરાત કરી હતી અને ગ્રામપંચાયતના બિલ્ડિંગમાં ઓપીડી શરૂ કરી દેવામાં આવી હતી.
આ માટે પ્રાથમિક જરૂરિયાત મુજબ બે નર્સ સહિતનો સ્ટાફ પણ ફાળવી દેવામાં આવ્યો હતો, પરંતુ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે મોટા ઉપાડે આયુર્વેદ હોસ્પિટલ શરૂ કરવાની જાહેરાત તો કરી દીધી પરંતુ આજે 3-3 વર્ષ વીતી ગયા બાદ પણ નાણાકીય બજેટ મંજૂર ન થતા કોઇ કામગીરી શરૂ થઇ નથી.