રાજકોટના જિલ્લા ગાર્ડન પાસે બાપુનગર-4માં ક્રિષ્ના કાસ્ટીંગ નામનું કારખાનું ધરાવતાં રઘુભાઈ ઉર્ફે બાબભાઈ વલ્લભભાઈ ડોબરીયા (ઉં.વ.60) સહિત અલગ-અલગ કારખાનેદારોને સ્ક્રેપ વેચાણ કરી જીએસટી સાથેના બિલો આપ્યા બાદ જીએસટીની રૂ.1.35 કરોડની રકમ જીએસટી વિભાગમાં નહીં ભરી પિતા-પુત્રએ છેતરપિંડી કર્યાની રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે રઘુભાઈ ઉર્ફે બાબભાઈની ફરિયાદ પરથી કિશોર સખીયા અને તેના પુત્ર જીત સામે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદીએ વાતચીત બાદ આરોપી સાથે ધંધો શરૂ કર્યો
આ અંગેની પોલીસ ફરિયાદમાં રઘુભાઈએ જણાવ્યું છે કે, 3 માસ પહેલાં આરોપી પિતા-પુત્ર તેની ફેકટરીએ આવ્યા હતા અને હેનટેક ઈન્ડસ્ટ્રીઝ નામથી ધંધો શરૂ કર્યો છે. માલ ખરીદ કરવાનો હોય તો કહેજો, તેમ કહેતાં તેની સાથે ભાવ-તાલની વાતચીત થઈ હતી. બાદમાં આરોપીઓ પાસેથી તેને સ્ક્રેપ ખરીદવાનું શરૂ કર્યું હતું. આરોપીને ઓર્ડર આપતાં જુલાઈ 2021થી ફેબ્રુઆરી 2022 સુધીમાં કુલ 13 વખત માલની ખરીદી કરી હતી. જેનું બીલ આવતાં તે બીલનું તેણે માલ તથા ટેક્ષની રકમ સાથેનું પેમેન્ટ તેને આરટીજીએસ કરી દીધું હતું.
આરોપીઓએ બાકી ટેક્ષ ભરવાની હાબેધરી આપી હતી
રૂ. 86.85 લાખની ખરીદી કરી તેમાં 13.24 લાખ જીએસટીની રકમ હતી. ત્યારબાદ તેણે પોતાની પેઢીનું જીએસટીના વાર્ષીક રિર્ટન ડિસેમ્બર- 2022નાં જીએસટીઆર (9) (સી) ફોર્મ ભર્યું હતું. ત્યારે સીએ તરફથી સરકારે આરોપીઓની પેઢીનો જીએસટી નંબર કેન્સલ કર્યો હોવાનું કહ્યું હતું. જેથી તેણે આરોપીને પોતાની ટેક્ષની રકમ સરકારમાં ભરી આપવાનું કહેતાં આરોપીઓએ રકમ ચૂકવી આપશે, તેવી બાહેધરી આપી હતી. ત્યારબાદ તા.30-06-2023નાં જીએસટી વિભાગ દ્વારા તેને સમન્સ ઈસ્યુ કરી રૂબરૂ બોલાવી આરોપીઓ અન્ય વેપારીઓ સાથે પણ છેતરપિંડી કરી કરોડો રૂપિયા ઓળવી ગયા હોવાથી તેની પેઢીનું જીએસટી વિભાગ દ્વારા સુવોમોટોથી જીએસટી નંબર રદ કર્યું છે, એમ કહીને તેને આરોપીઓ પાસેથી ખરીદેલ માલની જીએસટીની રકમ અને વ્યાજ તથા પેનલ્ટી ભરવાની નોટિસ આપી હતી.