રાજકોટમાં વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા વચ્ચે મહાનગરપાલિકામાં આજે જનરલ બોર્ડની બેઠક અને સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી હતી. જોકે આ બંને બેઠક માત્ર ઔપચારિકતા પૂરતી જ મળી હતી. અને 4 મિનિટમાં તમામ કામગીરી આટોપી લેવાઈ હતી. હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા અમલમાં હોવાના કારણે બોર્ડ કે સ્ટેન્ડિંગમાં એકપણ દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવ્યો ન હતો.
આજના બોર્ડ અને બેઠકમાં માત્ર વંદે માતરમ્ ગાન પૂરતું સીમિત રહ્યું હતું. દર મહિને નિયમ મુજબ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવી પડે છે. હાલ સમય મર્યાદા પૂર્ણ થવામાં હોય જેથી આજે સવારે 11 કલાકે કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની એક બેઠક મળી હતી. જેમાં મંજૂરી અર્થે અલગ-અલગ 12 દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. બોર્ડ બેઠક પૂર્ણ થતાંની સાથે જ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં મંજૂરી અર્થે 11 દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.. જેમાં સોલિડ મેનેજમેન્ટ પ્રોજેક્ટ તથા નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટ્રલ સર્વિસીસ એન્ડ કોર્પોરેટેડની કામગીરી માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવા, જીમ માટે સાધનોની ખરીદ કરવા, વંદે ગુજરાત યાત્રામાં થયેલા ખર્ચને બહાલી આપવા, આધાર કાર્ડ નોંધણી માટે નવી 14 નંગ કિટ ખરીદવા સહિતની 11 દરખાસ્ત રજૂ કરાઇ છે. જે તમામ પેન્ડિંગ રાખવામાં આવી હતી.