તાજેતરમાં જ ગુજરાતના વિદ્યાનગર ખાતે આવેલ અક્ષરપુરુષોત્તમ છાત્રાલયના વાર્ષિકોત્સવમાં જવાનું થયું હતું. અહીં પ્રસ્તુત થયેલ પ્રહસનમાં મનુષ્યની મનોવૃત્તિને રમૂજી સ્વરૂપે દર્શાવી હતી. એક ઘરમાં બે નોકર કામ કરતાં હતા. બંનેને બટાકાવડાં ભાવે. ઘરમાં કામ કરતો એક ત્રીજો વ્યક્તિ ગરમાગરમ બટાકાવડું લઈ આવ્યો, પણ તેનું પડ બહારથી ઠંડુ રહે તેવી યુક્તિ વાપરી હતી. ભાવતી વાનગી જોઈ પહેલા નોકરે આખું બટાકાવડું મોઢામાં મૂકી દીધું અને તે સાથે જ તે ઉછળવા લાગ્યો, આંખમાંથી પાણી નીકળવા લાગ્યું. આ જોઈ બીજા નોકરે પૂછ્યું કે ‘ભાઈ ! શું થયું?’ તો ભીની આંખો સાથે આ નોકરે પ્રત્યુત્તર વાળ્યો કે ‘બટાકાવડું એટલું સ્વાદિષ્ટ છે કે મને મારી મા યાદ આવી ગઈ, છેલ્લે તેના હાથે આવું બટાકાવડું ખાધું હતું, તેની યાદમાં મારી આંખો ભરાઈ ગઈ.’ આ સાંભળી બીજા નોકરે પણ આખું બટાકાવડું મુખમાં પધરાવ્યું. અને તે પણ બહારથી ઠંડુ પણ અંદરથી ભારે ગરમ હતું. આ ખાતાની સાથે તે પણ બૂમાબૂમ કરવા લાગ્યો, આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. બહાર કાઢે નહીં અને અંદર જાય નહીં. તેની કરુણ દશા જોઈ બધા ખૂબ હસ્યા. આ તો એક રમૂજી દૃશ્ય ઊભું કર્યું હતું. પણ તેના આધારે માણસની વૃત્તિ કેવી વિચિત્ર છે તેનું આ એક નિદર્શન હતું. વ્યક્તિ એવું ઈચ્છે છે કે હું જે પરિસ્થિતિમાંથી પસાર થયો છું, તેનો અનુભવ બીજાને પણ થવો જોઈએ. મેં જે મુશ્કેલીથી મેળવ્યું છે તે કોઈને સરળતાથી મળી જાય એ માણસ જોઈ શકતો નથી. ઝીણી-ઝીણી ઈર્ષ્યાએ આખા સમાજને ભરડામાં લીધો છે
1924માં અમેરિકાની ફોર્ડ મોટર્સ કંપનીમાં લી આયાકોકા નામનો એક એન્જિનયર જોડાયો. પોતાની ધગશ, બુદ્ધિ અને પુરુષાર્થથી તે કંપનીને ખૂબ આગળ લઈ ગયો. ફોર્ડ મસ્તંગ કરીને આજે પણ જગપ્રસિદ્ધ કાર ડિઝાઇન એ લી આયાકોકાની ભેટ છે. 1960માં તે ફોર્ડ મોટર્સનો વાઇસ પ્રેસિડેન્ટ અને જનરલ મેનેજર બની ગયો. તેને કંપનીને વાર્ષિક બે બિલિયન ડોલર્સ નફો કમાતી કરી દીધી. 55 વર્ષ સુધી તેને કંપનીમાં વફાદારીપૂર્વક કામ કર્યું. મોટા વર્તમાનપત્રોએ- સમાચારપત્રોએ પણ તેની નોંધ લીધી. પણ 1979માં ઓટોમેકિંગ ઈન્ડસ્ટ્રીમાં હાહાકાર મચી ગયો કારણ કે કંપનીના માલિક હેન્રી ફોર્ડ બીજાએ તેને એક બપોરે બોલાવી અચાનક કંપનીમાંથી ફાયર કરી દીધો. પછી ‘લી’ તો ક્રાઇસ્લર કંપનીમાં જોડાઈ ગયો અને ક્રાઇસ્લરને ફડચામાંથી બહાર લાવી વાર્ષિક કરોડો ડોલરનો નફો કમાતી કરી દીધી. પણ અહીં આશ્ચર્ય એ હતું કે ફોર્ડ કંપની પાસે સારો માણસ હતો, વફાદાર હતો, કંપનીની પ્રતિષ્ઠા વધતી હતી, આર્થિક રીતે જંગી રકમનો નફો કંપનીને થઈ રહ્યો હતો, તો પછી શા માટે ‘લી’ને કાઢ્યો? કારણ બસ એટલું હતું કે લી આયાકોકાની પ્રતિષ્ઠા એ કંપનીના માલિકને પચાવી કઠણ પડી. માલિક પાસે બધું હતું પણ ઈર્ષાની આગ તેને ભીતરથી બાલી રહી હતી.