ગત સપ્તાહે ચાઈનાની આર્થિક અનિશ્ચિતતા વચ્ચે વૈશ્વિક સ્તરે જીઓપોલિટીકલ ટેન્શન સતત ઝળુંબી રહ્યું છે ત્યારે રેડ સી- રાતા સમુદ્રમાં જહાજો પરના હુમલાને લઈ અમેરિકાની ઈરાકમાં આતંકીઓ સામે કાર્યવાહી અને ઈઝરાયલ દ્વારા દમાસ્કસ પર એર સ્ટ્રાઈકના અહેવાલે પરિસ્થિતિ સ્ફોટક હોવાથી ટેન્શન વધવાના સંજોગોમાં સપ્તાહની શરુઆતમાં ભારતીય શેરબજારમાં ફંડોએ શેરોમાં સાવચેતીમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ કરતાં સેન્સેક્સ, નિફટી બેઝડ ઘટાડો નોંધાયો હતો.
જો કે અમેરિકી ફેડરલ રિઝર્વની મીનિટ્સમાં વ્યાજ દરમાં ટૂંકાગાળામાં ઘટાડાની શકયતા નહીં હોવાના સંકેત છતાં ચીપ ઉત્પાદક એનવિડીયાના ત્રિમાસિક સારા પરિણામ અને આઉટલૂકે અમેરિકી શેરબજારોમાં તેજી પાછળ વૈશ્વિક બજારોમાં ખાસ જાપાન, ભારત, યુરોપના બજારોમાં રેકોર્ડ તેજી જોવા મળી હતી.
સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ 70% શેરો ઓવરવેલ્યુઅડ હોઈ શેરોમાં વધ્યામથાળે નવી ખરીદીમાં સાવચેતી છતાં ઈન્ડેક્સ મેનેજમેન્ટ કરતાં રહી લોકલ ફંડો બજારને કોન્સોલિડેશન સાથે સેન્ટીમેન્ટ ડહોળાઈ નહીં એ રીતે સેન્સેક્સ, નિફટીને ઊંચા મથાળે ટકાવી રહ્યા છે.