પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને દાવો કર્યો છે કે આગામી 4-5 મહિનામાં શાહબાઝ શરીફની સરકાર પડી જશે. આ પછી ઈમરાન અદિયાલા જેલમાંથી મુક્ત થઈ જશે.
પાકિસ્તાની મીડિયા ડોન ન્યૂઝ અનુસાર, તોશાખાના કેસ સંબંધિત એક કેસની સુનાવણી બાદ મીડિયા સાથે વાત કરતા ખાને કહ્યું- આ જ કારણ છે કે બિલાવલ ભુટ્ટોની PPP પાર્ટી શરીફ કેબિનેટમાં સામેલ ન થઈ. કેસમાં નિર્ણય પહેલાંથી જ નક્કી છે. સુનાવણી માત્ર એક ઔપચારિકતા છે.
હકીકતમાં, 8 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં કોઈપણ પક્ષને બહુમતી મળી નહોતી. જો કે, ઈમરાનને સમર્થન આપતા અપક્ષ ઉમેદવારોએ સૌથી વધુ બેઠકો મેળવી હતી. આ પછી નવાઝ શરીફની પાર્ટી PML-N અને બિલાવલ ભુટ્ટોની પાર્ટી PPPએ ગઠબંધન કરવાનો નિર્ણય કર્યો.
આ અંતર્ગત પીપીપીએ કેબિનેટમાંથી બહાર રહેવાની શરતે રાષ્ટ્રપતિ પદની માગ કરી હતી. ગઠબંધન બાદ શાહબાઝ શરીફને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. 29 ફેબ્રુઆરીએ પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં સંસદનું પ્રથમ સત્ર યોજાયું હતું. 3 માર્ચે શાહબાઝ શરીફ નેશનલ એસેમ્બલીમાં પીએમ તરીકે ચૂંટાયા હતા.