કેશોદના અખોદડ ગામે મહાકાલીના મંદિરમાં સાધુના વેશમાં છુપી રીતે રહેતો દેવનારાયણ ઉર્ફે સુનીલાલ ઉર્ફે લાલ બાબા કિશોરલાલ નામનો શખ્સ દુષ્કર્મના ગુનાનો આરોપી હતો. તેની ઉપર પોલીસે 25 હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું. ગુરૂવારે આ શખ્સને રાજસ્થાન પોલીસે સ્થાનિક પોલીસની મદદથી ઝડપી લઇ રાજસ્થાન લઈ ગઈ હતી.
રાજસ્થાનમાં દુષ્કર્મના ગુનામાં ફરાર શખ્સ પર પોલીસે 25 હજારનું ઇનામ જાહેર કર્યું હતું. આ શખ્સ જૂનાગઢ જિલ્લાના કેશોદ પંથકમાં હોવાની બાતમીના આધારે રાજસ્થાન પોલીસ કેશોદ પહોંચી હતી. અને સ્થાનિક પોલીસને સાથે રાખી તપાસ હાથ ધરતાં કેશોદ તાલુકાના અખોદડ ગામે મહાકાળી મંદિરમાં રહેતો શખ્સ જ રાજસ્થાન પોલીસનો ફરાર આરોપી દેવનારાયણ ઉર્ફે સુનીલાલ ઉર્ફે લાલ બાબા કિશોરલાલ (રે. મૂળ ડાંગીવાળા, ઉદયપુર, રાજસ્થાન) હોવાનું સ્પષ્ટ થયું હતું.
તેની સામે રાજસ્થાનના બાડમેર મહિલા પોલીસ મથકમાં તે કોઇ ધાર્મીક જગ્યાની આડમાં સાધુ વેશમાં રહી નાડી તપાસવાનું કહી અથવા કોઇની દિકરીને પોતાના વશમાં કરી તેના પર ધાર્મીક વિધીના બહાને દુષ્કર્મ ગુજારી પૈસા ઉઘરાવતો હોવાની ફરીયાદ નોંધાઇ હતી. આ આરોપીએ એક કિશોરી સાથે દુષ્કર્મ આચરતાં તેની સામે ગુનો નોંધાયો હતો. તેની વિરુધ્ધ ફરિયાદ થતાં તે ભાગી છૂટ્યો હતો. 11 મહિનાથી ફરાર આ હવસખોરને ઝડપી લેવા રાજસ્થાન પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતાં. આરોપી શખ્સને શોધવા રાજસ્થાન પોલીસે જુદા જુદા રાજ્યો માટે 7 ટીમ બનાવી હતી.
અંતે ગુજરાતના જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં હોવાની બાતમી મળતાં રાજસ્થાન પોલીસ હરકતમાં આવી ગઇ હતી.રાજસ્થાન પોલીસ તાબડતોબ ગુજરાત પહોંચી હતી.રાજસ્થાન પોલીસે જૂનાગઢ જિલ્લા મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા, પોલીસ અધિક્ષક રવિતેજા વાસમશેટ્ટીના સંપર્કમાં રહી તેમની સુચના અનુસાર કેશોદ પોલીસની મદદ લીધી હતી. આખરે તે પોલીસના સકંજામાં આવી જતાં કેશોદ પોલીસે તેને રાજસ્થાન પોલીસને સુપ્રત કરતાં રાજસ્થાન પોલીસ તેને લઇને રવાના થઇ હતી.