રાજકોટ જિલ્લાની આર એન્ડ બી કચેરીમાં પાંચેક દિવસ પૂર્વે છતનું પ્લાસ્ટર ધડાકાભેર તૂટી પડ્યાની ઘટના બાદ હવે માર્ગ અને મકાન વિભાગની સિટી કચેરીનું છજું ધસી પડતાં સ્ટાફમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. આ બિલ્ડિંગમાં હાઉસકીપિંગને કોન્ટ્રાક્ટ અપાયો હોવા છતાં તેમાં દીવાલમાં ઝાડ ઉગવા લાગતાં ભારે ચર્ચા જાગી છે.
રાજકોટના ડો.યાજ્ઞિક રોડ પર આવેલી આર એન્ડ બી સિટી કચેરીમાં સોમવારે મેઇન બિલ્ડિંગની બાજુમાં આવેલા જૂના બિલ્ડિંગમાં અચાનક છજું ધડાકાભેર તૂટી પડ્યું હતું. જેના પગલે કચેરીમાં બેઠેલો સ્ટાફ બહાર દોડી આવ્યો હતો. સદભાગ્ય આ સમયે બિલ્ડિંગ આસપાસ કોઇ કર્મચારી કે અરજદાર હાજર ન હોવાથી કોઇ જાનહાનિ થઇ ન હતી. આ બિલ્ડિંગની જાળવણી માટે હાઉસકીપિંગનો કોન્ટ્રાક્ટ અપાયો છે છતાં બિલ્ડિંગમાં ઝાડ ઉગી ગયા છે અને તેના પરિણામે પ્લાસ્ટર નબળા પડી જતાં છજું ધસી પડ્યાનો અંદાજ છે. છેલ્લા એક સપ્તાહમાં રાજકોટ શહેર અને જિલ્લામાં સરકારી કચેરીઓ અને રોડ-રસ્તાના કરોડો રૂપિયાના બાંધકામના કામો કરતા અને તેની ગુણવત્તાની ચકાસણી પણ કરતા આર એન્ડ બી વિભાગની બન્ને કચેરીમાં જ છત ધસી પડતાં ભારે આશ્ચર્ય પ્રસરી ગયું છે.