શુક્રવારે રાત્રે દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હતી. દિલ્હી એરપોર્ટ પર શુક્રવારે રાત્રે 9:45 કલાકે ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટના એન્જિનમાં ટેક-ઓફ દરમિયાન આગ લાગી હતી. જોખમને સમજીને પાઇલટે પ્લેનને રનવે પર જ રોકી દીધું હતું. આમ, પાઇલટની સમજદારીને કારણે મુસાફરોના જીવ બચી ગયા. પ્લેનમાં 184 મુસાફર હતા. તમામ મુસાફરો સુરક્ષિત છે. ઈન્ડિગો દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટેક્નિકલ ખામીને કારણે પ્લેનના એન્જિને આગ પકડી હતી.
વિમાનમાં બેઠેલા મુસાફરોએ બારીમાંથી એન્જિનમાં આગ જોઈને ચોંકી ગયા હતા. ફ્લાઇટે ઉડાન ભરતી વખતે જ આ ઘટના સામે આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. પ્લેનમાં હાજર પેસેન્જરે એનો વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પ્લેન ટેકઓફ માટે રનવે પર દોડે છે, ત્યારે અચાનક સ્પાર્ક થવા લાગે છે. થોડી જ વારમાં તણખાં આગનું રૂપ ધારણ કરે છે. પાઇલટ તરત જ પ્લેનને રનવે પર જ રોકી દે છે. ત્યાર બાદ તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.