રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલાએ એક સમાજના લોકોને સંબોધતી વખતે રાજા રજવાડા અને ક્ષત્રિય સમાજ માટે અશોભનીય ટિપ્પણી કરી હતી, આ અંગેનો વીડિયો ફરતો થતાં સમગ્ર રાજપૂત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. કરણી સેના ગુજરાતના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ કરણી સેનાના આગેવાનો અને ક્ષત્રીય સમાજના લોકો કચ્છમાં આશાપુરા માતાજીના મંદિરેથી કારના કાફલામાં રવાના થયા હતા, રસ્તામાં આવતા ગામ શહેરોમાંથી ક્ષત્રીય સમાજના આગેવાનો જોડાતા ગયા હતા અને મંગળવારે સાંજે રાજકોટ બહુમાળી ચોકે આવી પહોંચ્યા હતા, અહીં કરણીસેનાના સૌરાષ્ટ્રના પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજા, શહેર પ્રમુખ ક્રિપાલસિંહ ઝાલા તેમજ પી.ટી.જાડેજા સહિતના આગેવાનોએ આક્રોશ સાથે કહ્યું હતું કે, ભાજપના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલાએ કરેલું વિધાન અસહનીય છે, ભાજપ દ્વારા રાજકોટના ઉમેદવાર રૂપાલાને બદલવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી અને જો તેને બદલાવવામાં નહીં આવે તો રૂપાલાને હરાવવા માટે કરણીસેના ઘરે ઘરે જશે, તમામ સમાજનો સાથ મેળવીને રૂપાલાને હરાવવા માટે તમામ તાકાત કામે લગાડશે.