રાજકોટનાં ધોરાજી તાલુકાનાં સુપેડી ગામે હજારો વર્ષ જૂના સુપ્રસિદ્ધ મુરલી મનોહર મંદિર આવેલું છે. જેમાં ધ્વજારોહણ સહિત 26 મનોરથ ફ્રી ચાલતા હતા. જોકે સરકારી પ્રશાસન દ્વારા મંદિરનો વહીવટ પોતાના હસ્તક લઈને અચાનક તમામ મનોરથ બંધ કરી દેવાનો ગણગણાટ થયો છે. જેને લઈને વર્ષોથી અહીં દર્શનાર્થે આવતા ભવિકો ભારે રોષે આમરણાંત ઉપવાસ શરૂ કર્યો હતો. મંદિરનાં મહંત રવિદાસ બાપુએ જણાવ્યું હતું કે, દ્વારકામાં ધજા નો ચડાવી શકે તે ધજા આ મંદિરમાં ચડાવવાથી મનોકામના પુરી થાય છે. જોકે, સમગ્ર મામલે મામલતદાર દ્વારા ભક્તોને સમજાવટનાં પ્રયાસો કરવામાં આવનાર છે.
સમગ્ર મામલે ગત 5/02ના રોજ મામલતદારને ભક્તો આવેદન અપાયું હતું અને પ્રસાશનનાં આ હસ્તક્ષેપનો વિરોધ કરી અલ્ટીમેટલ પણ આપ્યું હતું, પરંતુ પ્રસાશન દ્વારા કોઈ નિર્ણય લેવામાં ન આવતા આજે ભક્તજનો દ્વારા મંદિરનાં પટાંગણમાં આમરણાંત ઉપવાસ શરૂ કરી દેવામાં આવ્યા હતા. આજે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ રામધૂન બોલાવી પ્રશાસનનો વિરોધ કર્યો હતો અને રાજકારણનાં કારણે આવેલો સરકારનો આ હસ્તક્ષેપ દૂર કરવા માટેની માગ કરવામાં આવી હતી.
દિશાન રતનપરા નામનાં શ્રદ્ધાળુએ જણાવ્યું હતું કે, ધોરાજી તાલુકાનાં સુપેડી ગામે આવેલા સુપ્રસિદ્ધ મુરલી મનોહર મંદિર ખાતે પરંપરાગત 8મી ગુરુ ગાદીએ ચાલતા સનાતન ધર્મના 26 પ્રકારના ફ્રી મનોરથ ચાલતા હતા. જેમાં ફ્રી ધ્વજારોહણ, ફ્રી અન્નક્ષેત્ર સહિતનાં કાર્યો મંદિરમાં વિનામૂલ્યે ચાલતા હતા. જેમાં સરકારી પ્રસાશન દ્વારા હસ્તક્ષેપ કરી પોતાના હસ્તક લેતા ભક્તજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.