અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના ભાષણોનો હિન્દી અને અન્ય એશિયન ભાષાઓમાં અનુવાદ કરવાની માગ છે. પ્રેસિડેન્શિયલ કમિશને રાષ્ટ્રપતિ કાર્યાલયમાં પોતાના વિચારો સમક્ષ રજૂ કર્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકન રાજનીતિમાં એશિયન મૂળના લોકોની ભૂમિકા સતત વધી રહી છે.
આવામાં રાષ્ટ્રપતિના ભાષણો તેમની ભાષાઓમાં હોવા જોઈએ. હાલમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના ભાષણો અંગ્રેજીમાં જ હોય છે. જેના કારણે તેમનો સંદેશ બીજી માતૃભાષાના બે કરોડથી વધુ લોકો સુધી પહોંચતો નથી. રાષ્ટ્રપતિના એડવાઇઝરી કમિશન સામે આ પ્રસ્તાવ અમેરિકન-ભારતીય કમ્યુનિટીના નેતા અજય જૈન ભુટોરિયા મૂક્યો હતો. જેનો કમિશને સ્વીકાર કર્યો હતો.
એક બેઠકમાં પ્રેસિડેન્શિયલ કમિશને સૂચન કર્યું છે કે ભાષણોને હિન્દી અને એશિયન ભાષાઓમાં અનુવાદિત કરવાનું કામ ત્રણ મહિનામાં શરૂ કરવામાં આવે. કમિશને ભાષણોનું હિન્દી, ચાઈનીઝ, કોરિયન, વિયેતનામીસ, મેન્ડરિન અને ફિલિપાઈન્સમાં બોલાતી ભાષા ટાગાલોગમાં ભાષાંતર કરવા જણાવ્યું છે.