સ્વાતંત્ર્ય દિન નિમિતે દેશના પાટનગર દિલ્હીમાં લાલ કિલ્લા ઉપર જે સમયે વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે તે જ સમયે પાકિસ્તાની સીમાને અડીને આવેલા કચ્છના લખપત કિલ્લા પર પણ સત્તાવાર ધ્વજવંદન કરવામાં આવે છે. 1947 માં દેશ આઝાદ થયો ત્યારથી આ ઐતિહાસિક પરંપરા ચાલી આવે છે.
દેશમાં દિલ્હીના લાલ કિલ્લા સિવાય કોઇ કિલ્લા પર સરકારી ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાતો હોય તો માત્ર લખપતના અૈતિહાસિક કિલ્લા પર યોજાય છે. લખપતનું સરહદી વ્યુહાત્મક મહત્વ અને સિરક્રિક વિવાદને કારણે આઝાદી સમયથી જ કેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ અા અનોખું ધ્વજવંદન યોજાતું હોવાનું જાણવા મળે છે.
15 ઓોગસ્ટના લાલ કિલ્લા પર સૂર્યોદય પછી ધ્વજવંદન થયા બાદ દેશમાં રાજ્યોના પાટનગરો સહિત તમામ જગ્યાએ સત્તાવાર ધ્વજવંદનના કાર્યક્રમો સવારના 9 પછી જ યોજવાનો નિયમ છે. એમાં એક માત્ર લખપત અપવાદ છે અને છેલ્લા કેટલાક વર્ષથી અહીં લાલ કિલ્લાની સાથે જ શાનથી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે.
પાકિસ્તાની સરહદ પર કચ્છના ઉત્તરી સીમાડે આન,બાન અને શાનથી દેશનું રખોપું કરતા લખપત કિલ્લા પર હવે કાયમી ધોરણે મોટો રાષ્ટ્રધ્વજ ફરકાવવો જોઇએ તેવી સરહદી વિસ્તારના લોકોની લાગણી છે. ફ્લેગ કોડના નિયમોમાં થયેલ સુધારા જોતાં આ હવે શક્ય છે.