દેશમાં તહેવારો તેમજ 5જી સેવાના લોન્ચિંગને કારણે કંપનીઓના હાયરિંગમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બરમાં ખાસ કરીને ટેલિકોમ સેક્ટરમાં ભરતીની ભરમાર જોવા મળતા 13 ટકાનો વધારો થયો છે. અનેકવિધ ટેલિકોમ કંપનીઓ વિવિધ શહેરોમાં 5G સેવા લોન્ચ કરવા જઇ રહી છે.
આ કંપનીઓ ડેટા સેન્ટર્સની ક્ષમતાના વિસ્તરણ ઉપરાંત વિશેષતા ધરાવતા પદો પર ભરતી કરી રહ્યું છે. તદુપરાંત તહેવારોની માંગને કારણે ટિઅર-2 શહેરોમાં સીઝનલ જોબ્સમાં વધારો થયો છે. એપેરલ, ટેક્સટાઇલ્સ તેમજ જ્વેલર સેક્ટરમાં રોજગારીમાં 11%નો વધારો થયો છે.
જ્યારે, મેન્યુફેક્ચરિંગ તેમજ રિટેલ સેક્ટરની નોકરીઓમાં પણ 5-5 ટકાનો વધારો જોવા મળ્યો છે. મોન્સ્ટર એમ્પ્લોયમેન્ટ ઇન્ડેક્સના સપ્ટેમ્બરના આંકડાઓમાં આ જાણકારી સામે આવી છે. કોરોના બાદ કંપનીઓની વિસ્તરણની યોજનાઓને કારણે આ તહેવારોની મોસમમાં ગત વર્ષની તુલનાએ હાયરિંગનું ચિત્ર સુધર્યું છે.
ગ્રાહકો ખરીદી માટે ઉત્સુક અને ઉત્સાહી છે. આ જ કારણસર ઇમ્પોર્ટ/એક્સપોર્ટ સેક્ટરમાં હાયરિંગ સૌથી વધુ 28% વધ્યું છે. કંપનીઓ આધુનિકીકરણ પર વધુ રોકાણ કરી રહી છે. તેને કારણે ઓટોમેશન અને ઑફિસ ઇક્વિપમેન્ટ હોસ્ટિંગમાં પ્રોફેશનલ્સની માંગ 65 ટકા વધી છે. આ જ રીતે BFSI (બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસીઝ અને ઇન્શ્યોરન્સ) સેક્ટરમાં ખાસ કરીને મેટ્રો શહેરોમાં હાયરિંગમાં 20%ની વૃદ્વિ સાથે સતત વધારાનો ટ્રેન્ડ છે.