સૌરાષ્ટ્રની જામનગર બેઠક પર ભાજપનાં આહીર ઉમેદવાર પૂનમ માડમ સામે કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર જે.પી. મારવિયાને ટિકિટ આપી છે. આ અંગે ખોડલધામ સમિતિના ચેરમેન નરેશ પટેલે કહ્યું કે પાટીદારને ટિકિટ આપી તે બદલ હું કોંગ્રેસનો આભાર માનું છું. કારણ કે અમારી કોશિસ હંમેશાં એ હોય છે કે જ્યાં અધિકાર છે ત્યાં પાટીદારને બેઠક મળવી જોઈએ તેવું કહીને કોંગ્રેસના ઉમેદવારનું સીધું સમર્થન કર્યું હતું.
લોકસભાની ચૂંટણીને લઈને જ્ઞાતિ સમીકરણો વચ્ચે સમાજના આગેવાનોની બેઠકો થઈ રહી છે ત્યારે ખોડલધામ સમિતિના ચેરમેન નરેશ પટેલે જામનગર પહોંચી બેઠક કરી હતી. જેમાં કોંગ્રેસ દ્વારા લેઉવા પટેલ સમાજના યુવા ચહેરાને ટિકિટ આપતા આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ કાજલ હિન્દુસ્તાની દ્વારા પટેલ સમાજની દીકરીઓ અંગે કરેલ ટિપ્પણીને વખોડી હતી. કોંગ્રેસે પાટીદાર નેતાને ટિકિટ આપવા અંગે પક્ષ પ્રત્યે આભાર વ્યકત કરી પટેલ સમાજના આગેવાનો અને ઉદ્યોગકારો સાથે ગુપ્ત બેઠક કરતા રાજકીય માહોલ ગરમાયો છે. રાજકોટના ભાજપના ઉમેદવાર અને પાટીદાર નેતા પુરુષોત્તમ રૂપાલાની સામે ચાલી રહેલા રાજપૂત સમાજના વિરોધ બાબતે તેમણે મૌન સેવ્યું હતું.