શહેરમાં ભાવનગર રોડ પર સરધાર પાસેના લોઠડા ગામે કારખાનામાં મજૂરીકામ કરતા અને પાસે ઓરડીમાં રહેતા આધેડની ગામની સીમમાં નદી પાસેથી લાશ મળી આવતા આજીડેમ પોલીસે તપાસ કરતા આધેડ બે દિવસ પહેલા તેના વતન જવાનું કહી નીકળ્યા હતા પરંતુ ફોન કરતા વતન નહીં પહોંચતા તેની શોધખોળ કરતા લાશ મળી આવી હોવાનું તેના પુત્રએ જણાવતા પોલીસે આધેડના મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી વધુ કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લોઠડા ગામે કારખાનામાં મજૂરીકામ કરતા અને ત્યા જ રહેતા થાવલાભાઇ લાલસીંગભાઇ બરજોડ (ઉ.વ.41) બે દિવસ પહેલા તેના વતન દાહોદ જવા માટે નીકળ્યા હતા. બાદમાં તેના પુત્રએ ફોન કરતા તેના પિતા વતન નહીં પહોંચ્યા હોવાની જાણ થતા પરિવારે તેની શાેધખોળ કરી હતી. દરમિયાન લોઠડા ગામની નદી પાસેથી થાવલાભાઇનો મૃતદેહ મળી આવતા આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ રાઠોડ સહિતના સ્ટાફે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ કાર્યવાહી કરી છે. પોલીસની તપાસમાં મૃતક આધેડ છેલ્લા બે માસથી પરિવાર સાથે રાજકોટ પેટિયું રડવા આવ્યા હતા અને બે દિવસ પહેલા વતનમાં જવા માટે ઘેરથી નીકળ્યા બાદ લાશ મળી હોવાનું બહાર આવ્યું હતું.