TMCના હકાલપટ્ટી કરાયેલા નેતા શાહજહાં શેખની ધરપકડ કર્યા બાદ CBI અને ફોરેન્સિક ટીમે શુક્રવારે તેના ઘર અને ઓફિસમાં તપાસ હાથ ધરી હતી. આ મામલો 5 જાન્યુઆરીએ ED ટીમ પર થયેલા જીવલેણ હુમલા સાથે સંબંધિત છે. ત્યારે તપાસ એજન્સી રાશન કૌભાંડમાં શેખના ઘરે દરોડા પાડવા ગઈ હતી.
ટીમના સભ્યો પહેલા હુમલા સંબંધિત પુરાવા એકત્ર કરવા સરબરિયાના અકુંચીપારા વિસ્તારમાં શાહજહાંના ઘરની નજીકના વિસ્તારોમાં ગયા હતા. બાદમાં તેમની ઓફિસમાં તપાસ કરી હતી. 14 સભ્યોની ટીમમાં 6 CBI, 6 ફોરેન્સિક એક્સપર્ટ અને 2 ED ઓફિસર સામેલ છે. આ એ જ ED અધિકારીઓ છે જે 5 જાન્યુઆરીના હુમલામાં ઘાયલ થયા હતા.
અગાઉની ઘટનાને ધ્યાનમાં રાખીને, આ વખતે આ વિસ્તારમાં પહેલેથી જ મોટી સંખ્યામાં સેન્ટ્રલ ફોર્સની ટીમો તૈનાત કરવામાં આવી હતી. અધિકારીઓની સાથે સીઆરપીએફના જવાનો પણ હાજર હતા.
સીબીઆઈ અધિકારીઓએ શાહજહાંના ઘરમાં પ્રવેશતા પહેલા દરવાજા પરનું સીલ ખોલ્યું હતું. તેને EDની ટીમે જ લગાવ્યું હતું. આ દરમિયાન ટીમે વિસ્તારની વીડિયોગ્રાફી અને મેપિંગ પણ કર્યું હતું. શાહજહાંની કસ્ટડી મેળવ્યા બાદ સીબીઆઈએ સંદેશખાલીમાં તેના ઘર અને ઓફિસની મુલાકાત લીધી હતી. બંને જગ્યાઓ બંધ હોવાથી ટીમે બહારથી ફોટોગ્રાફ્સ લીધા હતા.