આ વર્ષે દેશમાં એપ્રિલના અંતથી પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય તેવી આગાહી છે. જોગાનું જોગ આ દરમિયાન લોકસભાની ચૂંટણી પણ થવાની છે. કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરેન રિજિજુ એ કહ્યું કે આવામાં તમામ હિતધારકો માટે પહેલાથી તૈયારી કરવી મહત્ત્વપૂર્ણ છે.
ભીષણ ગરમીને જોતાં ચૂંટણીપંચે તેના 16 માર્ચના દિશાનિર્દેશોને ફરી ઉચ્ચારતા રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરોને ગરમીમાં મતદાતાઓ માટે દરેક જરૂરી વ્યવસ્થા કરવા કહ્યું છે. ચૂંટણીપંચે આ પહેલાં ગરમીના કારણે દેશભરમાં આશરે દસ લાખ મતદાન કેન્દ્રો પર તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવા સૂચના આપી હતી, જેથી મતદાતાઓને મતદાન સમયે કોઈ તકલીફ ન થાય.
2004 પછીથી લોકસભા ચૂંટણી ઉનાળામાં યોજાઈ રહી છે. 2009ની લોકસભા ચૂંટણીનું છેલ્લા તબક્કાનું મતદાન 13 મે અને 2014માં 12 મે તેમજ 2019ની ચૂંટણીમાં 19મે ના રોજ છેલ્લા તબક્કાનું મતદાન થયું હતું. આ દરમિયાન દેશમાં આકરી ગરમી પડી રહી હતી. આ વર્ષે આયોગે 10 લાખ પોલિંગ બૂથો પર જરૂરી ન્યૂનતમ સુવિધાઓ પૂરી પાડવા રાજ્યોના મુખ્ય ચૂંટણી કમિશનરોને સૂચના આપી છે.