રાજકોટના ગોંડલ રોડ પર આવેલી ઇન્ડિયન બેંકના સ્ટ્રોંગ રૂમમાંથી 64.29 લાખનું સોનું ચોરી થયા અંગે ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ગત માર્ચ મહિનામાં મુંબઇથી આવેલા ઇન્સ્પેક્શન દરમિયાન સ્ટ્રોંગ રૂમમાંથી 47 ના બદલે 45 પાઉચ મળી આવ્યા હતા. જે બાદ બેંક અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, તેમ છતાં પાઉચ અંગે કોઈ માહિતી ન મળતા જવાબદાર બે અધિકારીઓ સામે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ચોરી થયેલા બે પાઉચમાં કુલ 64.29 લાખનું 1005.10 ગ્રામ સોનું હોવાનું સામે આવ્યું છે. જે અલગ અલગ બે ગ્રાહકે લોન પેટે આપ્યું હતું. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બેંકનું મુખ્ય કામ સોના ઉપર ધિરાણ-લોન આપવાનું ઇન્ડિયન બેંકમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા ઘનશ્યામકુમાર વિનોદાનંદ ઝા (ઉ.વ.48)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમારી ઇન્ડિયન બેંકની રાજકોટ બિઝનેસ સેન્ટર ગોંડલ રોડ બ્રાન્ચમાં બેંક મેનેજર તરીકે ગૌરીશંકર બીપ્રચરણ સામંતરાય, આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર તરીકે શ્રુતી દિવાકર શખારે તથા આસિસ્ટન્ટ મેનેજર તરીકે વિષ્ણુ નાયરણ એલાયથ ફરજ બજાવતા હતા. હાલ તેઓની બદલી ચેન્નઇ ખાતે થઇ છે. બેંકનું મુખ્ય કામ પૈસા રોકડ ઉપાડ અને જમા લેવાનું તથા સોના ઉપર ધિરાણ તથા લોન આપવાનું છે.