સારા સ્વાસ્થ્ય માટે ભોજનમાં કાર્બોહાઇડ્રેટ, શાકભાજી અને ફેટ-પ્રોટીનની હાજરી જરૂરી છે. પરંતુ શું તમે જાણો છો કે તેની માત્રામાં ફેરફાર કરીને સુગરને વધુ સારી રીતે કંટ્રોલ કરી શકાય છે. તાજેતરમાં ફૂડ સીક્વન્સિંગનો ટ્રેન્ડ વધ્યો છે. તેમાં શાક અને દાળને પહેલાં અને ત્યારબાદ રોટલી અને ભાત જેવાં કાર્બોહાઇડ્રેટ્સને આરોગવાના હોય છે. તેનાથી ગ્લુકોઝનું સ્તર નિયંત્રિત રાખવામાં મદદ મળે છે.
નિષ્ણાતોના મતે પ્રી-ડાયબિટિક એટલે કે સુગરનું જોખમ ધરાવતા લોકો માટે આ દિનચર્યા ફાયદાકારક સાબિત થઇ શકે છે. વેઇલ કોર્નેલ મેડિસિનમાં નિષ્ણાત ડૉ. અલ્પના શુક્લાના મતે ફૂડ સીકવન્સિંગ હેઠળ પહેલાં શાકભાજી, પછી ફેટ-પ્રોટીન અને છેલ્લે કાર્બોહાઇડ્રેટની સલાહ અપાય છે. 2023માં થયેલા 19 સ્ટડીના આધાર પર નિષ્ણાતોએ વિશ્લેષણ કર્યું કે ખાવામાં પ્રોટીન (જેમ કે દાળ, દૂધ અને નૉનવેજ) પહેલાં સલાડ અને છેલ્લે કાર્બોહાઇડ્રેટ (રોટલી, ભાત, બ્રેડ, બટાકા) થી સુગર ઝડપી વધતી નથી. પ્રી-ડાયાબિટીઝવાળા 15 લોકો પર સ્ટડી દરમિયાન ડૉ. શુક્લા અને તેમના સહયોગીઓએ પ્રતિભાગીઓને ત્રણ અલગ અલગ દિવસોમાં ત્રણ અલગ અલગ ક્રમમાં ગ્રિલ્ડ ચિકન, સલાડ અને ખાસ પ્રકારની રોટલી ખવડાવી હતી.
પ્રતિભાગીઓના બ્લડ સુગર લેવલને માપવાના ઠીક પહેલાં અને ત્રણ કલાક બાદ દર 30 મિનિટમાં માપવામાં આવ્યું હતું. તો જાણવા મળ્યું કે લોકોએ રોટલી પહેલાં જ્યારે ચિકન અથવા સલાડ ખાધા, તો ભોજન બાદ તેઓના શરીરમાં સુગરમાં વધારો રોટલી ખાવાની તુલનામાં અંદાજે 46% ઓછો હતો.