તાજેતરમાં જ અમેરિકાના નવા પ્રેસિડન્ટની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ વિજેતા થયા ટ્રમ્પે તો હજુ સત્તાના સૂત્રો સંભળાવ્યા નથી ત્યાં જ અનેક દેશોને ધમકી આપી છે કે અમેરિકન ડોલરને તોડવાની મસ્તી કરી તો પછી આકરી સજા ભોગવવાનો વારો આવશે. જાન્યુઆરીમાં સરકાર રચશે અને નવી પોલિસી રજૂ કરશે જેમાં આકરી ટ્રેડ પોલિસી-ડ્યૂટી લાગુ કરે તેવી અટકળો છે. જો ડ્યૂટીમાં વધારો કરશે તો ભારતીય અર્થતંત્રને અસર પડી શકે છે. છેલ્લા કેટલાક સમયથી ડોલર સામે રૂપિયો સતત ઘસાઇ રહ્યો છે અને 84.76ની નીચી સપાટીએ પહોંચ્યો છે. ડોલર સામે રૂપિયાનું સતત અવમૂલ્યન અર્થતંત્રને અવરોધશે, મોંઘવારીમાં વધારો કરશે, વેપાર ખાદ્ય વધી શકે છે. આરબીઆઇએ જણાવ્યું કે ભારત પાસે તેના ટ્રેડ માટે ડિ-ડોલરાઇઝેશનની કોઇ યોજના ઘડી નથી.
શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીએ જણાવ્યું કે ફોરેન રિઝર્વ ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે પરંતુ બિનજરૂરી આયાત પર આકરા નિયંત્રણો જો લાદવામાં આવે તો પરિસ્થિતિથી સુધરે અને કદાચ રૂપિયામાં સુધારો જોવા મળી શકે. અત્યારે એવી સ્થિતિ છે કે નિકાસકારોને ડોલર મજબૂત થાય તેમાં મોટો ફાયદો થતો હોય છે. નિકાસકારો ખુશ છે. જ્યારે આયાતકારોની પરિસ્થિતિ વિપરીત જોવા મળી રહી છે. આવનારા સમયમાં ડોલર 87.0ની સપાટી વટાવી શકે છે. સૌથી મોટી મુશ્કેલી એ છે કે ઘણા બધા ક્ષેત્રોમાં આપણે વિદેશથી આયાત પર નિર્ભર છીએ.