જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં આવેલા સત્યમ શિવમ સુંદરમ એપાર્ટમેન્ટમાં રહેતા મિતેશભાઇ બાબુલાલ ચૌહાણ (ઉ.વ.44) મંગળવારે રાત્રે એકાદ વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ બેભાન થઇ જતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ત્રણ ભાઇમાં વચેટ મિતેશભાઇ કચ્છની નવોદય વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. દિવાળીનું વેકેશન પડતાં પતિ-પત્ની રાજકોટ પોતાના ઘરે આવ્યા હતા અને મંગળવારે સાંજે બજારમાં ખરીદી કરીને ઘરે આવ્યા હતા. રાત્રીના અચાનક જ મિતેશભાઇને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેમનું મૃત્યુ થયું હતું.
અન્ય એક બનાવમાં ગોંડલ રોડ પર કાંગશિયાળીમાં કારના શો-રૂમ પાછળ આવેલા એટલાન્ટિકા હાઇટ્સ નામના એપાર્ટમેન્ટના સાતમા માળે રહેતા કેતનભાઇ મોહનભાઇ હિંગરાજિયા (ઉ.વ.51) મંગળવારે રાત્રે 11 વાગ્યે એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરથી પોતાના ફ્લેટમાં જવા લિફ્ટમાં પહોંચ્યા હતા અને લિફ્ટમાં પ્રવેશની સાથે જ ઢળી પડ્યા હતા. કેતનભાઇને બેભાન હાલતમાં હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. કેતનભાઇ શાપરમાં કારખાનું ચલાવતા હતા અને તે ત્રણ ભાઇમાં મોટા હતા.