ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી. વિદેશી દખલગીરી પર કેનેડા સરકાર દ્વારા રચવામાં આવેલા મેરી જોસી હોગ કમિશન દ્વારા આ વાત કહેવામાં આવી છે.
હોગ કમિશનના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતે હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે ખોટી માહિતી ફેલાવી હતી. જોકે, એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્સીઓનું કનેક્શન સાબિત કરવા માટે કોઈ નક્કર કડી નથી.
આ રિપોર્ટમાં ભારત, રશિયા, ચીન અને પાકિસ્તાનને કેનેડાના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતે ચૂપચાપ ત્રણ રાજકીય પક્ષોના ઉમેદવારોને ચૂંટણીમાં પૈસાથી મદદ કરી છે. આ માટે પ્રોક્સી એજન્ટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.