દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. આવતીકાલે સત્તાવાર પરિણામ આવશે, પરંતુ એ પહેલાં જ એક્ઝિટ પોલનાં અનુમાનોએ દેશ અને દુનિયામાં હલચલ મચાવી દીધી છે. એક્ઝિટ પોલનાં પરિણામોમાં ભાજપને જંગી બહુમતી મળતી દેખાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઐતિહાસિક રીતે સતત ત્રીજી વખત વડાપ્રધાન બની શકે છે. ત્યારે બ્રિટન, રશિયા, ચીન, તુર્કી, સાઉદી સહિત વિશ્વભરનાં મોટા અખબારોમાં આ અંગે ખૂબ ચર્ચા થઈ રહી છે.
ભારતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે અને મંગળવારે પરિણામ આવતાં પહેલાં એક્ઝિટ પોલ પણ આવી ગયા છે, જેમાં ભાજપ ફરી એક વખત જંગી બહુમતી સાથે જીતતી હોય એવું લાગી રહ્યું છે. એક્ઝિટ પોલમાં કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ અને સહયોગી પાર્ટીઓ (NDA ગઠબંધન)ને 361થી 401 સીટ મળી શકે છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં લોકસભાની ચૂંટણીનાં પરિણામો પર સમગ્ર વિશ્વનાં મીડિયાની નજર છે અને વિશ્વનાં તમામ મોટાં અખબારો અને ન્યૂઝ વેબસાઈટોએ એક્ઝિટ પોલના અહેવાલો પ્રકાશિત કર્યા છે.