સુરતના હિરા વેપારીઓ તથા જ્વેલર્સના ફ્રિઝ કરાયેલા બેન્ક ખાતા ફરી ચાલુ કરાવવા માટે મહારાષ્ટ્ર અને કર્ણાટકની પોલીસ દ્વારા લાંચ માગવામાં આવતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. અન્ય રાજ્યોમાં વેપાર કરતા આ વેપારીઓના બેન્ક ખાતા સાઇબર ફ્રોડના નામે ફ્રિઝ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે 500 કરોડ રૂપિયાથી વધુ રકમ બ્લૉક થઈ જતા વેપારીઓની હાલત કફોડી બની છે.
બેન્ક એકાઉન્ટ ફ્રિઝ કર્યા બાદ મહારાષ્ટ્ર અને કર્ણાટક પોલીસ અધિકારીઓ દ્વારા ફોન કરીને એકાઉન્ટ અનફ્રિઝ કરવા માટે 10થી 20 ટકા સુધી રૂપિયા માંગવામાં આવ્યા છે. 50માંથી 30 બેન્ક અકાઉન્ટ મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ફ્રિઝ કરવામાં આવ્યા છે જ્યારે અન્ય કર્ણાટક પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે. સામી દિવાળીએ જ હીરા વેપારીઓને ખરીદ-વેચાણના બિલની ચૂકવણી કરવાની હોય છે પરંતુ બેન્ક એકાઉન્ટ ફ્રિઝ થતાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સુરતના હીરા વેપારીઓએ મળીને કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને રજૂઆત કરી હતી. આ પ્રકારની ઘટના એક વર્ષ પહેલા પણ બની હતી. હીરા વેપારીઓના મતે રૂપિયા પડાવવા માટે પોલીસ દ્વારા જ આ પ્રકારનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે. કેટલાક વેપારીઓને બેન્ક ખાતા ચાલુ કરાવવા માટે પોલીસને પૈસા ચૂકવવાની ફરજ પડી હોવાનું પણ જાણવા મળ્યું હતું.