રાજસ્થાનમાં ભાજપના સાંસદ સીપી જોશીએ જિલ્લા અફીણ ઑફિસના કર્મચારીને મંગળવારે એક જોરદાર થપ્પડ મારી દીધી હતી. તે કર્મચારી પર અફીણ લાયસન્સ વિતરણ માટે પાંચ-પાંચ હજાર રૂપિયા વસુલવાનો આરોપ લાગ્યો હતો. ખેડૂતોએ આ અંગેની ફરિયાદ સાંસદ સીપી જોશીને કરી હતી. આ પછી બુધવારે સાંસદનો થપ્પડ મારતો વીડિયો વાઇરલ થયો હતો.
વાત એમ છે કે પ્રતાપગઢ અને ચિતૌડગઢ જિલ્લામાં ખેડૂતોને અફીણ લાયસન્સ વિતરણ કરવામાં આવી રહ્યા હતા. લાયસન્સ વિતરણ દરમિયાન ખેડૂતો પાસેથી નામ ટ્રાન્સફર અને લાયસન્સ વિતરણમાં ગેરકાયદે વસૂલાતની ફરિયાદો પણ સામે આવી રહી છે. જેના પર સાંસદ સીપી જોશી પ્રતાપગઢના કાર્યાલયમાં પહોંચી ગયા હતા. તેમણે ખેડૂતો પાસેથી ગેરકાયદેસર રીતે રકમ લેવા સામે નારાજગી દર્શાવી હતી. અન્ય કર્મચારીઓ અને અધિકારીઓની સામે પણ આ અંગે નારાજગી બતાવી હતી.
સાંસદ સીપી જોશીએ ત્યાં હાજર કર્મચારી ભંવર સિંહને બોલાવીને પૂછ્યું હતું કે એક પટ્ટા માટે કેટલા પૈસા લે છે, તો કર્મચારીએ જવાબ આપ્યો કે તે એક પટ્ટા માટે 5 હજાર રૂપિયા લે છે. તે કર્મચારી આગળ કંઈ બોલે, એની પહેલા જ સીપી જોશેએ તેને જોરદાર થપ્પડ મારી દીધી હતી. ત્યારે તે કર્મચારી ઘબરાઈ ગયો હતો. અને ત્યારે જ આ વચ્ચે આનો વીડિયો બની ગયો હતો.