T20 વર્લ્ડ કપમાં ભારત અને ઈંગ્લેન્ડની સેમી-ફાઈનલના બે દિવસ પહેલાં મંગળવારે સવારે કેપ્ટન રોહિત શર્મા વિશે ખરાબ સમાચાર આવ્યા હતા. એડિલેડમાં પ્રેક્ટિસ દરમિયાન તેને જમણા હાથના કાંડામાં ઈજા થઈ છે, જોકે ઈજા ગંભીર નહોતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોહિત થ્રોડાઉનની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. તેણે 18-20 બોલ જ રમ્યા હતા કે 150થી વધુ સ્પીડે રાઘવેન્દ્રનો એક બોલ તેના જમણા હાથના કાંડા પર વાગ્યો અને તે પ્રેક્ટિસ છોડીને બહાર આવી ગયો હતો. દુખાવાને કારણે 40 મિનિટ સુધી બહાર બેસી રહ્યો. જોકે તબીબી સારવાર બાદ રોહિત પ્રેક્ટિસમાં પાછો ફર્યો હતો. રોહિતની ઈજા અંગે બીસીસીઆઈ તરફથી કોઈ અપડેટ નથી.
સોશિયલ મીડિયા પર વાઇરલ ફોટો- વીડિયોમાં જોઈ શકાય છે કે ઈજાગ્રસ્ત થયા બાદ રોહિતે પ્રેક્ટિસ છોડી દીધી અને નેટમાંથી બહાર આવીને બેસી ગયો હતો. ત્યાર બાદ તેને મેડિકલ સારવાર મળી. આ દરમિયાન રોહિત તેના કાંડા પર બરફ ઘસતો જોવા મળ્યો હતો.