ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 50 વર્ષ પછી જમીનની અદલાબદલી થઈ છે. બાંગ્લાદેશના લોકોએ આને ઈદની ભેટ ગણાવી છે. ભારતે બાંગ્લાદેશને સરહદ પરનાં ઠાકુરગાંવના રાનીશંકોઈ ઉપજિલ્લાની 56.86 એકર જમીન સોંપી છે. તેની સામે ભારતને પણ બાંગ્લાદેશ પાસેથી 14.68 એકર જમીન પાછી મળી છે. ભારત વતીથી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) અને બાંગ્લાદેશ વતીથી બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી) વચ્ચે પ્લેગ મીટિંગમાં જમીનોની અદલાબદલીની સમજૂતિ થઈ હતી પરંતુ રાનીશંકાઈ મુદ્દે કોઈ કાર્યવાહી થઈ શકી નહોતી. 2015માં નવી સમજૂતી પછી આ દિશામાં ઝડપ આવી હતી.
બાંગ્લાદેશીઓએ કહ્યું... અમને ભારત તરફથી ઈદની મોટી ભેટ મળી
બીજીબીના કૅપ્ટન લે. કર્નલ તંજીર અહેમદનું કહેવું છે કે બંને દેશો વચ્ચે જમીનની અદલાબદલી સૌહાર્દપૂર્વક થઈ છે. અમને તો ઈદની ભેટ મળી છે. આ માટે અમે બીએસએફનો આભાર માનીએ છીએ. અત્યાર સુધીમાં અમે ભારતના ભાગમાં રહેલી અમારી જમીનો વિશે વડીલો પાસેથી સાંભળતા હતા, હવે ત્યાં જઈને ખેતી કરી શકીશું.
સૂત્રોના કહેવા પ્રમાણે બાંગ્લાદેશના અન્ય 8 જિલ્લામાં જમીના ભાગલા માટે સરવે કરાશે. તેનાથી બંને દેશો વચ્ચે જમીનની વહેંચણી થઈ શકશે. સરવેમાં બીએસએફ અને બીજીબીની સાથે અન્ય એજન્સીઓને પણ જોડવામાં આવશે. વર્ષના અંત સુધીમાં સરવે પૂરો થશે.