શહેરના પુનિતનગરમાં પાર્ક કરાયલી ખાનગી બસની ટેન્ક ખોલી તસ્કરો રાત્રીના 300 લિટર ડીઝલ ચોરી કરી જતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. તેમજ લક્ષમણ ટાઉનશિપમાં મધરાત્રીના નિદ્રાધીન મહિલાના ઘરમાં ઘૂસી પાડોશી શખ્સ રૂ.10 હજાર તફડાવી ગયો હતો.મનહર પ્લોટમાં રહેતા અને મનીષ ટ્રાવેલ્સ નામે ટ્રાવેલ્સ ચલાવતા દર્શનભાઇ મનીષભાઇ જયશ્વાલે (ઉ.વ.29) ચોરી અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
દર્શનભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની એક બસનો ચાલક શિવાનંદ મુથેએ બસમાં 450 લિટર ડીઝલ પુરાવ્યું હતું અને રાત્રે પુનિતનગરની વિશ્વકર્મા સોસાયટી મેઇન રોડ પર રાત્રે બસ પાર્ક કરી હતી, બીજા દિવસે તા.13ના શિવાનંદ બસ પાસે જતાં બસનું ડીઝલ ટેન્કનું ઢાંકણ ખુલ્લું દેખાયું હતું અને બસ ચાલુ કરતાં જ ડીઝલનો કાંટો નીચે આવી ગયો હતો, તપાસ કરતા ટેન્કમાંથી તસ્કરો રૂ.27600ની કિંમતનું 300 લિટર ડીઝલ ચોરી ગયા હતા. આ મામલે ટ્રાવેલ્સ સંચાલકને જાણ કરતાં અંતે દર્શનભાઇએ ફરિયાદ નોંધાવી હતી.