યુએસમાં અપેક્ષિત ફુગાવો લાંબા સમય સુધી વ્યાજ દરોને ઊંચા રાખશે. આને ધ્યાનમાં રાખીને દેશોએ વૈશ્વિક ઉથલ-પાથલ માટે તૈયાર રહેવું જોઈએ તેમ વરિષ્ઠ બેન્કર અને કોટક મહિન્દ્રા બેન્કના સ્થાપક ઉદય કોટકે જણાવ્યું હતું. અમેરિકામાં મોંઘવારી દર અપેક્ષા કરતા વધારે છે.ત્યાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. તેને નજીક આવતા જોઈને અમેરિકા વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય મોકૂફ રાખી શકે છે. કોટકે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે બ્રેન્ટ ક્રૂડ હવે પ્રતિ બેરલ $90 પર છે. તેની અસરને જોતાં ભારત સહિત વિશ્વભરમાં વ્યાજદર લાંબા સમય સુધી ઊંચા રહી શકે છે.
બીજી તરફ ચીન આર્થિક રીતે નબળું પડી રહ્યું છે. આવી સ્થિતિમાં વૈશ્વિક ઉથલપાથલ માટે તૈયાર રહેવું જોઈએ.આ બાબત એવા સમયે આવી છે જ્યારે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં દેશમાં રિટેલ મોંઘવારી દર ઘટીને 5.1% પર આવી ગયો છે. ડિસેમ્બર 2023 માં તે 5.7% હતો. જો કે ફેબ્રુઆરીમાં ખાદ્ય ચીજવસ્તુઓમાં મોંઘવારી પણ વધી હતી. રિઝર્વ બેંકે 3-5 એપ્રિલના રોજ યોજાયેલી પોલિસી બેઠકમાં સતત સાતમી વખત રેપો રેટને 6.5% પર સ્થિર રાખ્યો હતો.