રાજકોટ સહિત રાજ્યભરમાં 7મી મેના રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ-યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ આવે તેના માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જિલ્લાની કેટલીક શાળાઓમાં પ્રતિકાત્મક મતદાન મથક ઊભું કરી વિદ્યાર્થીઓને મતદાનની અનુભૂતિ કરાવાઈ હતી. આ ઉપરાંત પરંપરાગત ભવાઈ ભજવીને વિદ્યાર્થીઓમાં મતદાનની સમજ કેળવી હતી. આ ઉપરાંત શાળાઓમાં ચિત્ર સ્પર્ધા સહિતની જુદી જુદી પ્રવૃત્તિ કરાવીને મતદાન જાગૃતિ કેળવવામાં આવી હતી. આંબરડી(જામ)ની જીવનશાળામાં જાણે મતદાન દિવસ હોય તેમ પ્રતીક મતદાનમથક ઊભું કરી બાળકોને મતદાન કરવાની અનુભૂતિ કરાવવામાં આવી હતી, જેનાથી બાળકો મતદારયાદી, મતપત્રની ગુપ્તતા વગેરે બાબતો સહિત ચૂંટણીમાં મત આપવાની સમગ્ર પ્રક્રિયાની સહજ સમજણ પામ્યા હતાં.
લોકસભા ચૂંટણીને અનુલક્ષીને સ્વિપ અંતર્ગત રાજકોટ જિલ્લામાં વિવિધ વિધાનસભા મતવિસ્તારમાં સામેલ અનેક શાળાઓમાં મતદાન કુટીર, ચિત્ર સ્પર્ધા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતાં. લીલાપુરના મોહનદાદા વિદ્યાલય, જસદણની ક્રિષ્ના સ્કૂલ તેમજ ઇકરા સ્કૂલ, ભાડલાની વિવેકાનંદ હાઇસ્કૂલ, વીરનગરની યુનિક સ્કૂલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમોમાં મતદાનની આવશ્યક્તા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવી હતી. ચિત્ર સ્પર્ધા અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓએ મતદાન અંગે જાગૃતિ ફેલાવતા સંદેશાઓની બહુરંગી અભિવ્યક્તિ કાગળ પર ચિત્રો દોરીને તેમજ સર્જનાત્મક સૂત્રો લખીને કરી હતી. અસરકારક કૃતિ કરનાર વિદ્યાર્થીઓને ભેટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં. વિદ્યાર્થીઓ 7 મેના રોજ મતદાન કરવા માટે પોતાના પરિવારજનોને પ્રેરિત કરે તેવી અપીલ કરવામાં આવી હતી.