રાજકોટ શહેરમાં રેસકોર્સના મેદાનમાં આગામી જન્માષ્ટમી નિમિત્તે તા.24 ઓગસ્ટ, 2024 થી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાનારા લોકમેળાનું આકર્ષક શીર્ષક મેળવવા માટે સ્પર્ધા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં આકર્ષક શીર્ષક આપનારા સ્પર્ધકને પુરસ્કારથી નવાજવામાં આવશે. પરફેક્ટ પોતાની એન્ટ્રી 31 જુલાઈ સુધીમાં મોકલી આપવાની રહેશે. જેમાંથી પસંદગી પામેલ નામ રાજકોટ લોકમેળાનું નામ રાખવામાં આવશે અને વિજેતા સ્પર્ધકને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
રાજકોટ શહેરમાં પ્રતિવર્ષ પવિત્ર શ્રાવણ માસના રાંધણ છઠ્ઠથી લોકમેળો યોજવામાં આવે છે. આ મેળાનું સમગ્ર આયોજન રાજકોટ જિલ્લા લોકમેળા સમિતિ દ્વારા કરવામાં આવે છે. આ વર્ષનો લોકમેળો તા.24થી 28 ઓગસ્ટ સુધી યોજાનાર છે. આ મેળાનું શીર્ષક મેળવવા માટે સ્પર્ધા યોજવામાં આવનાર છે. રાજકોટ, સૌરાષ્ટ્રની આગવી ઓળખ પ્રતિબિંબિત કરતા શીર્ષક એટલે કે ‘રંગીલો લોકમેળો’, ‘થનગનાટ લોકમેળો’, ‘જમાવટ લોકમેળો’, ‘કાઠીયાવાડી લોકમેળો’, આ પ્રકારના શીર્ષક ટૂંકું, આકર્ષક, શિષ્ટ, મનોગમ્ય હોવું જોઈએ. વધુમાં વધુ બે શીર્ષક મોકલી શકાશે. સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ, પરિવેશ, રહેન સહેન, લોકજીવનને અનુરૂપ હોવું જોઈએ.