જી-20 બેઠક અગાઉ આયોજનની દિશામાં વાય-20ના લદ્દાખમાં આયોજનથી રોષે ભરાયેલા ચીને પોતાના કોઇ પ્રતિનિધિને મોકલ્યા ન હતા. ચીને પ્રતિનિધિ ન મોકલવાને લઇને કોઇ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી પરંતુ, એવું માનવામાં આવે છે કે LAC (વાસ્તવિક નિયંત્રણ રેખા) પાસે લદ્દાખના લેહમાં આયોજિત આ કાર્યક્રમ ચીનને નડ્યો હતો. શુક્રવારે પૂરા થયેલા વાય-20માં સભ્ય દેશોના પ્રતિનિધિ સામેલ થયા હતા. વાય-20માં સભ્ય દેશોના યુવા પ્રતિનિધિઓએ ‘શ્રેષ્ઠ આવતીકાલ’ માટેની થીમ પર ચર્ચા કરીને એજન્ડા નક્કી કર્યો હતો. 26 એપ્રિલના રોજ લદ્દાખ પહોંચેલા ગ્રુપને દર્શનીય સ્થળોએ લઇ જવામાં આવ્યા હતા.
સૂત્રોનુસાર 28 એપ્રિલના રોજ જૂથોને પેંગોંગ લેકની મુલાકાત પણ પ્રસ્તાવિત હતી. વ્યૂહાત્મક રીતે આ ભારત તરફથી દુનિયાને એક મોટો સંદેશ પણ હતો. પરંતુ અંતિમ સમયે પેંગોંગ લેકની મુલાકાતને રદ કરવામાં આવી હતી. પરંતુ, સરકારી અધિકારીઓના મતે પેંગોંગ લેકની મુલાકાતને કાર્યક્રમમાં સામેલ કરવામાં આવી ન હતી.