પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ 28 ઑગસ્ટથી શરૂ થઈ છે. આ ઇવેન્ટ 8 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ ગેમ્સમાં ભારતના 84 ખેલાડીઓ 12 રમતોમાં ભાગ લઈ રહ્યા છે. તેમની સાથે 95 અધિકારીઓ પણ ગયા છે.
ભારતે 2021માં ટોકિયો પેરાલિમ્પિક્સમાં 5 ગોલ્ડ સહિત રેકોર્ડ 19 મેડલ જીત્યા હતા અને રેન્કિંગમાં 24મું સ્થાન મેળવ્યું હતું. ત્રણ વર્ષ પછી, ભારતનું લક્ષ્ય સુવર્ણ ચંદ્રકોની સંખ્યાને બે અંકમાં લઈ જવા અને કુલ 25 થી વધુ ચંદ્રકો જીતવાનું છે.
ભારતને ફરી એકવાર ટોકિયો પેરાલિમ્પિક્સના ગોલ્ડ મેડલ વિજેતા જેવલિન થ્રોઅર ખેલાડી સુમિત પાસેથી ગોલ્ડની આશા છે. સુમિતે ટોકિયોમાં 68.55 મીટરનો રેકોર્ડ બ્રેક થ્રો કર્યો હતો. ટોકિયોથી, સુમિતે પેરિસ 2023 અને કોબે 2024માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો છે. તેણે 2023 હાંગઝોઉમાં આયોજિત ચોથી પેરા ગેમ્સમાં 73.29 મીટર ફેંકીને વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. પેરિસ પેરાલિમ્પિક્સ ઓપનિંગ સેરેમનીમાં તેને ભારતના ધ્વજવાહક બનાવ્યો હતો.