બુધવાર, 17 એપ્રિલના રોજ રામ નવમી છે. ત્રેતાયુગમાં ચૈત્ર મહિનાના સુદ પક્ષની નોમ તિથિએ શ્રીરામજીએ કૌશલ્યા અને દશરથને ત્યાં જન્મ લીધો હતો. શ્રીરામજીને પોતાના ત્રણ ભાઇઓ ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન સાથે નિસ્વાર્થ પ્રેમ હતો. ત્રણેય ભાઈ પણ શ્રીરામ પ્રત્યે આસ્થા રાખતાં હતાં. જ્યારે શ્રીરામ, લક્ષ્મણ અને સીતા અયોધ્યા છોડીને વનવાસ માટે રવાના થયા, તે સમયે ભરત અને શત્રુઘ્ન ત્યાં હાજર હતા નહીં. થોડા સમય પછી જ્યારે ભરત અને શત્રુઘ્ન અયોધ્યા પહોંચ્યા ત્યારે સંપૂર્ણ ઘટનાક્રમની જાણકારી તેમને મળી. તે સમય સુધી રાજા દશરથનું નિધન થઇ ગયું હતું.
આ વાત સાંભળીને ભરત પોતાની માતા કૈકયીથી ખૂબ જ ગુસ્સે થઇ ગયાં. ભરતે રાજપાઠ સ્વીકાર કરવાની ના પાડી દીધી અને તેમણે નક્કી કર્યું કે તેઓ રામજીને ફરી અયોધ્યા લઇને આવશે. ભરત તરત જ શ્રીરામને શોધવા માટે અયોધ્યાથી રવાના થયાં, તેમની સાથે કૌશલ્યા, કૈકયી અને સુમિત્રા પણ હતાં. સાથે જ બધા મંત્રી, અયોધ્યાના લોકો પણ ભરત સાથે શ્રીરામજીને પાછા બોલાવવા માટે સાથે જોડાયાં હતાં.
શ્રીરામ, લક્ષ્મણ અને સીતા સાથે ચિત્રકુટમાં રોકાયા હતાં. ભરત-શત્રુઘ્ન સાથે ત્રણેય માતાઓ, મંત્રી, સેના અને અયોધ્યાના લોકો પણ ચિત્રકુટ પહોંચ્યાં હતાં. ત્યાં સેના અને અયોધ્યાના લોકો રડીને ભરત-શત્રુઘ્ન શ્રીરામની કુટિયામાં પહોંચ્યાં. બંને ભાઈ રામના ચરણોમાં પડી ગયા અને પાછા જવા માટે વિનંતી કરવા લાગ્યાં.
ભરત- શત્રુઘ્નએ જણાવ્યું કે પિતાનું નિધન થઇ ગયું છે. આ સમાચાર સાંભળીને શ્રીરામ દુઃખી થઈ ગયાં. ભરતે કહ્યું કે તમે તરત અયોધ્યા પાછા આવો અને રાજપાઠ સંભાળો. હું તમારો નાનો ભાઈ તમારા પુત્ર સમાન છું, કૃપા મારું નિવેદન સ્વીકાર કરો અને મારા ઉપર લાગેલાં બધા જ કલંકને ધોઈને મારી રક્ષા કરો.
શ્રીરામજીએ ભરતને કહ્યું કે મેં પિતાજીને વચન આપ્યું છે કે હું 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને જ અયોધ્યા પાછો ફરીશ. ત્યાં સુધી તમે અયોધ્યાનું રક્ષણ કરો. ત્યારે ભરત રામજીની ચરણ પાદુકાઓ માથા ઉપર રાખીને અયોધ્યા પાછા ફર્યાં. તેમણે અયોધ્યાની બહાર એક કુટિયા બનાવી અને સિંહાસન ઉપર શ્રીરામની ચરણ પાદુકાઓ રાખીને એક સેવકની જેમ રાજપાઠ ચલાવ્યો.