દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19મીએ રાજકોટ આવી રહ્યાં છે અને તેઓ રેસકોર્સમાં જંગી સભાને સંબોધન કરશે આ ઉપરાંત કરોડો રૂપિયાના કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે જોકે આ દરમિયાન નેટવર્ક બ્લેક આઉટની સમસ્યા સર્જાઈ શકે છે જેનો ઉકેલ તંત્રને મળ્યો નથી.
વડાપ્રધાન મોદી સાંજના સમયે રાજકોટ એરપોર્ટ પર ઉતરાણ કરશે અને ત્યાંથી રોડ શોનું આયોજન થશે. રોડ શો રેસકોર્સ સુધી જવાનો છે જોકે રોડ શો ભવ્ય અને વિશાળ દેખાય તે માટે સંભવિત રૂટ નક્કી કરવા માટે નેતાઓ અને અધિકારીઓ સતત બેઠકો કરી રહ્યાં છે સંભવિત રૂટની યાદી તૈયાર કરાઈ છે તે હવે સુરક્ષા એજન્સીઓ અને પીએમઓને મોકલવામાં આવશે અને ત્યાંથી રૂટ નક્કી થશે. હાલ તો ફક્ત રેસકોર્સ જ મુલાકાત લેવા માટે સૂચના આવી છે શાસ્ત્રીમેદાનમાં યોજાનારી હાઉસિંગ કોન્ક્લેવમાં જશે કે નહિ તે હજુ સ્પષ્ટ કરાયું નથી.
રેસકોર્સમાં રોડ શો બાદ જે સભા થવાની છે તેના માટે મેદાનમાં અંદાજે 1.5 લાખ લોકો એકત્ર કરવા માટે તંત્ર અને શહેર ભાજપ કામે લાગી ગયું છે. મોદી અહીં પોતાનું ભાષણ આપશે આ ઉપરાંત આશરે 6000 કરોડ રૂપિયાના કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે. અહીં સૌથી મોટી સમસ્યા નેટવર્કની થશે. હાલમાં મોબાઈલ ફોન અને તેમાં એક નહિ પણ બે-બે સીમકાર્ડનું ચલણ વધતા જ્યારે પણ કોઇએક સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે એટલે નેટવર્ક પડી ભાંગે છે. મનપાની મ્યુઝિકલ નાઈટથી માંડીને જસદણ અને જામકંડોરણામાં થયેલી વડાપ્રધાનની સભામાં સતત ચારથી પાંચ કલાક સુધી નેટવર્ક પડી ભાંગ્યું હતું. હવે જ્યારે રેસકોર્સ એટલે કે શહેરના મધ્યમાં આયોજન થતા માત્ર રેસકોર્સ જ નહિ પણ મોટાભાગના વિસ્તારોમાં નેટવર્ક બ્લેક આઉટ થવાનો ભય છે.