ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ડ્રાઈવરોનું જવાબદારીભર્યું કામ છે. હજારો મુસાફરોની સલામતી તેમનાં હાથમાં હોય છે. ત્યારે રાજકોટના કેટલાક ડ્રાઈવરોએ એક અસરકારક અને હૃદયસ્પર્શી પહેલ કરી છે. અમુક એસ.ટી. ડ્રાઈવરો જેમણે ઓવરસ્પીડ અને અકસ્માત ટાળવા માટે એક સારો ઉકેલ શોધ્યો છે ‘પોતાના પરિવારનો ફોટો બસના સ્પીડમીટર પાસે રાખવાનો’. ડ્રાઈવરો રૂટ ઉપર જાય અને બસમાં ડ્રાઈવિંગ સીટ ઉપર બેસે ત્યારે સૌથી પહેલાં તેના પરિવારનો ફોટો પોતાની સામે એટલે કે સ્પીડમીટર ઉપર રાખે છે જે તેને સલામત ડ્રાઈવિંગની પ્રેરણા આપે છે. ડ્રાઈવરોનું માનવું છે કે, જ્યારે બસ ચલાવતી વેળાએ આંખો સમક્ષ પોતાના પિતાની, માતાની, પત્ની કે સંતાનોની છબી દેખાય ત્યારે તેમના અંદર એક પ્રકારની જવાબદારી વધુ ઊંડાણથી જાગે છે.
પરિવારની યાદ સાથે તેમને એવું લાગે છે કે, બસમાં બેઠેલા દરેક મુસાફર પણ તેમના જ પરિવારના સભ્ય સમાન છે. બસમાં બેઠેલા યાત્રિકોના પરિવારજનો પણ તેમની ઘરે રાહ જોઈ રહ્યા છે. પરિણામે તેઓ ઓવરસ્પીડ નહીં કરે, અચાનક બ્રેક નહીં મારીને બસને જોખમમાં નહીં મૂકે અને અકસ્માત ન સર્જાય તેની પૂરતી કાળજી રાખે છે. જ્યાં મોટાભાગના લોકો ટેક્નોલોજી આધારિત સલામતી સાધનો પર આધાર રાખે છે, ત્યાં આવી એક માનવીય અને ભાવનાત્મક પહેલ પણ એટલી જ અસરકારક બની શકે છે. એસ.ટી. ડ્રાઈવરોની આ નાની લાગે એવી ચિંતા એક મોટી મુશ્કેલી, અકસ્માત સામે મજબૂત ઢાલ બની રહી છે. રાજકોટ એસ.ટી. ડિવિઝનમાં કેટલાક ડ્રાઈવરની આ પહેલ આગામી દિવસોમાં તમામ ડેપો અને ડિવિઝનમાં લાગુ કરવામાં આવે તો ન માત્ર રાજકોટ પણ રાજ્યભરમાં આવી રીતે જોખમી ડ્રાઈવિંગને અટકાવી શકાય છે.