ભગવાન રામના જન્મની ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ મંદિરોમાં પૂજા, આરતી અને વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતભરનાં રામજી મંદિરો જયશ્રી રામના નાદ સાથે ગુંજી ઊઠ્યા હતા. ત્યારે રાજકોટમાં યોજાયેલી શોભાયાત્રાનું લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ વાનરસેનાના ફ્લોટ્સે આકર્ષણ જમાવ્યું હતું. જ્યારે અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બપોરે ત્રણ વાગ્યે અખાડા, હાથી, ઊંટગાડી, ડીજે, ભજન મંડળી સાથે 7 કિમી શોભાયાત્રા યોજી હતી. જેમાં ‘યે ભગવા રંગ...’, ‘રામ આયેંગે તો અંગના સજાયેંગે...’ના ગીતો પર ભાવિકો ઝૂમી ઉઠ્યા હતા. તેમજ યુવાનોના કરતબોએ સૌના દિલ જીત્યા હતા. મોટી સંખ્યામાં લોકો ઊમટી પડતા મિનિ રથયાત્રા જેવો માહોલ જોવા મળી રહ્યો હતો. ભગવાન રામના સ્વાગત સાથે લોકોએ આતશબાજી પણ કરી હતી, પહેલીવાર શોભાયાત્રામાં BSFનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શાહપુરમાં બિસ્મિલ્લા મસ્જિદ પાસે મુસ્લિમ આગેવાનોએ ફૂલની પાંખડી વરસાવી સ્વાગત કર્યું હતું. તેમજ વડોદરામાં પણ વાજતે ગાજતે શોભાયાત્રા નિકળી હતી.