રાજકોટના કાલાવડ રોડ પર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સભાગૃહમાં ભાજપના લોકસભાના ઉમેદવારો અને આગેવાનોએ સભા યોજી આચારસંહિતાનો ભંગ કર્યાની ફરિયાદો ઉઠ્યા બાદ આ પ્રકરણમાં જિલ્લા ચૂંટણી તંત્રે સભાગૃહ અને મંદિર અલગ-અલગ હોવાનો રિપોર્ટ કરતા તેની સામે અરજદારે સીઇઓ ગુજરાતને રજૂઆત કરી હતી અને મંદિર તથા સભાગૃહ એક જ પરિસરમાં આવ્યાનું ગૂગલ મેપથી સાબિત કરતા મુખ્ય નિર્વાચન અધિકારી કચેરીના ઉપસચિવે કેસને ફરી રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીને રિમાન્ડ કર્યો છે અને અરજદારને સાંભળીને નિયમાનુસાર કાર્યવાહી કરવા તાકીદ કરી છે.
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ સંજય લાખાણી અને કૃષ્ણદત્ત રાવલે જણાવ્યું હતું કે, મુખ્ય નિર્વાચન અધિકારી સમક્ષ મંદિર અને સભાગૃહ એક જ પરિસરમાં આવેલા હોવા છતાં અલગ-અલગ દેખાડવામાં આવ્યાની રજૂઆત ગત તા.15-4ના રોજ કરી હતી. જેના અનુસંધાને તેઓએ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરને પત્ર પાઠવીને અરજદારની રજૂઆત ધ્યાનમાં લઇ આગળની કાર્યવાહી નિયમાનુસાર કરવા અને તેનો અહેવાલ મુખ્ય નિર્વાચન અધિકારી કચેરીને મોકલી આપવા તથા અરજદારને જવાબ આપવા તાકીદ કરવામાં આવી છે.
મુખ્ય નિર્વાચન અધિકારી કચેરીના ઉપસચિવે અરજદારની રજૂઆત તથા તેમણે રજૂ કરેલો ગૂગલ મેપ પણ સાથે જોડતા જિલ્લા ચૂંટણી તંત્રની પોલ ઉઘાડી પડી હોવાનું ચિત્ર ઉપસ્યું છે.