રાજકોટ શહેરમાં વધુ એક દુર્ઘટનામાં લિફ્ટ નીચે 3 વર્ષની બાળકી ફસાઈ જવાથી મૃત્યુ પામી છે. શહેરના પંચાયત ચોક નજીક શિવશક્તિ સોસાયટી રોડ પર આવેલા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં લિફ્ટ નીચે ફસાઈ જવાથી બાળકીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા 5 મહિનાથી એપાર્ટમેન્ટમાં રહેવા આવેલા અને ચોકીદારી કરતાં નેપાળી પરિવારની 3 વર્ષની દીકરી પાર્કિંગમાં રમતી હતી ત્યારે લિફટનો દરવાજો કોઇ કારણોસર ખૂલી ગયો હતો, પરંતુ લિફટ ન હોવાથી બાળકી નીચે ગબડીને પડી હતી. એ પછી ઉપરથી અચાનક લિફટ આવતાં અંદર રહેલી આ બાળકી ચગદાઇ જતાં તેનું મોત નીપજ્યું હતું.
રાજકોટ શહેરના પંચાયત ચોક નજીક શિવશક્તિ સોસાયટી રોડ પર આવેલા હેવલોક એપાર્ટમેન્ટમાં રહેતાં બિમલ કાર્કીની દીકરી મરીના (ઉં.વ.3) સવારે 10.30 વાગ્યા આસપાસ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રમતી હતી. રમતાં-રમતાં તે લિફટ પાસે પહોંચી ગઇ હતી. આ વખતે લિફટ ઉપર હતી છતાં દરવાજો રમતા-રમતાં બાળકીએ ખોલી નાખ્યો હતો, જેના કારણે બાળકી લિફટની નીચેની ખાલી જગ્યામાં પટકાઈ હતી અને આ પછી ઓચિંતી લિફટ નીચે આવી જતાં તે લિફ્ટ નીચે ચગદાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી અને ચીસ સાંભળી લોકો દોડી આવ્યા હતા.