પાકિસ્તાનની સંસદમાંથી શુક્રવારે સાંસદો અને પત્રકારોનાં શૂઝ ચોરાઈ ગયા હતા. પાકિસ્તાની મીડિયા ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, સાંસદો, પત્રકારો અને સંસદના કર્મચારીઓ શુક્રવારની નમાજ માટે પરિસરમાં આવેલી મસ્જિદમાં ગયા હતા.
જ્યારે લોકો મસ્જિદમાંથી બહાર આવ્યા ત્યારે તેમના શૂઝ ચોરાઈ ગયા હતા. ચોરો 20 જોડી બૂટ- ચંપલ લઈ ગયાં હતાં. આ પછી સાંસદ ઉઘાડા પગે સંસદમાં પરત ફર્યા હતા. નેશનલ એસેમ્બલીના સ્પીકર સરદાર અયાઝ સાદીકે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
એક્સપ્રેસ ટ્રિબ્યુને અહેવાલ આપ્યો છે કે સંસદમાં હાજર સુરક્ષા અધિકારીઓ નમાઝના સમયે તેમના સ્થાન પર તહેનાત ન હતા. સ્પીકરના આદેશ બાદ સંયુક્ત સચિવ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ મામલાની તપાસ કરશે. સીસીટીવી ફૂટેજ દ્વારા આરોપીઓને ઓળખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે આ ચોરી પાછળ ભિખારી માફિયાઓનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી છે. ખ્વાજા આસિફે કહ્યું, "પાકિસ્તાનમાં ભિખારીઓની વધતી સંખ્યા ચિંતાનો વિષય છે. તેમની સામે જાગૃતિ લાવવા માટે એક અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં મોટા ક્રિકેટરો પણ ભાગ લઈ રહ્યા છે."