અમેરિકામાં ભારતીય મૂળના નિક્કી હેલીએ પ્રમુખપદની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જોકે, તેમની રિપબ્લિકન પાર્ટીએ હજુ તેમનો ઉમેદવાર નક્કી કરવાનો બાકી છે. આમ માટે પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઉમેદવારીનો દાવો કરી ચૂક્યા છે. જો હવે કોઇ નવી દાવેદારી નહીં આવે તો રિરબ્લિકન પાર્ટીએ ટ્રમ્પ અને નિક્કીમાંથી કોઇ એકની પસંદગી કરવી પડશે. 51 વર્ષીય નિક્કી હેલી પાર્ટીમાં ટ્રમ્પના કટ્ટર વિરોધી છે. ટ્રમ્પની લોકપ્રિયતા ઘટવાના કારણે તેઓ ખૂબ ઝડપથી ઊભરી રહ્યા છે.
ડેમોક્રેટિક પાર્ટીના નેતા જો બાઇડેનની લોકપ્રિયતા ઘટવાના કારણે તેઓ ચૂંટણીના મેદાનમાંથી બહાર જઇ શકે છે. આ સ્થિતિમાં ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ હોઇ શકે છે.હાલ તેઓ ઉપ પ્રમુખ છે એટલે શક્ય છે કે, અમેરિકન પ્રમુખપદની ચંૂટણીના 191 વર્ષના ઇતિહાસમાં બંને ઉમેદવાર ભારતીય મૂળના હશે. આ ઉપરાંત અમેરિકાને પણ પહેલીવાર મહિલા પ્રમુખ મળશે.
હું ના શ્વેત છું, ના અશ્વેત, હવેનો સમય નવી પેઢીનોઃ હેલી
ચૂંટણી લડવાની જાહેરાત કરતા નિક્કી હેલીએ કહ્યું કે, હું ભારતીય અમેરિકન પુત્રી છું. ના શ્વેત, ના અશ્વેત. હવેનો સમય નવી પેઢીનો છે. ચીન અને રશિયા તક ઝડપી લેવાની ફિરાકમાં છે. તેઓ વિચારે છે કે, આપણને ધમકાવી શકાય છે, પરંતુ એ તેમનો ભ્રમ છે.