23 ફેબ્રુઆરીના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે ICC ચેમ્પિયન્સ ટ્રોફીની વન-ડે મેચમાં ભારતની ભવ્ય જીત થતાં ગુજરાતમાં જશ્ન જોવા મળી રહ્યો છે. લોકો તિરંગા સાથે રોડ પર ઉતરી આવ્યાં હતાં અને ભારતની જીતને બિરદાવી હતી. અમદાવાદના સિંધુભવન, પકવાન ચાર રસ્તા, SG હાઈ-વે સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકોએ ઉજવણી કરી હતી. વડોદરામાં તો માંડવીથી લઈ લહેરીપુરા દરવાજા સુધીનો આખેઆખો રોડ ક્રિકેટરસિકોથી ભરાયેલો જોવા મળ્યો હતો. સુરતના ભાગળ ચાર રસ્તામાં તો જાણે કીડીયારું ઉભરાયું હોય તેવા દૃશ્યો સર્જાયા હતા, જે ડ્રોન વીડિયોમાં જોઈ શકાય છે. ગુજરાતભરમાં મોટી સંખ્યામાં લોકોએ ફટાકડા ફોડી આતશબાજી કરતા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. પાકિસ્તાન સામેની ભારતની જીતથી લોકોમાં ભારે ઉત્સાહમાં જોવા મળ્યો હતો.
અમદાવાદના સિંધુભવન રોડ ઉપર લોકો બેફામ બન્યા છે. તાજે સર્કલ પાસે લોકોએ રોડ રોકી દીધો હતો. કેટલાક કારચાલકો બેફામ રીતે અને સ્ટંટ કરતા પોલીસે તેઓને રોક્યા હતા. લોકો રોડ બ્લોક કરી વાહનચાલકોને રોકી રહ્યા છે.
વલસાડ શહેરના આઝાદ ચોક ખાતે દુબઈમાં રમાયેલી ભારત પાકિસ્તાનની મેચમાં ભારતનો 6 વિકેટે વિજય થતા વલસાડના આઝાદ ચોક ખાતે ક્રિકેટરસિકોએ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો.